Devra review: નબળી વાર્તાને એક્શન અને એક્ટિંગથી ઢાંકવાની કોશિશ તો કરી પણ…
કાલ્પનિક ફિલ્મોમાં જો કલ્પનાની મર્યાદા આવી જાય અને નવીનતા ન દેખાય તો પછી તેની મજા આવતી નથી. કથા ભલે કાલ્પનિક હોય પણ સ્ક્રીન પર આવે ત્યારે તે અસલમાં જીવાતી લાગવી જોઈએ. જુનિયર એનટીઆર, જ્હાનવી કપૂર અને સૈફ અલી ખાનને ચમકાવતી પેન ઈન્ડિયા ફિલ્મમાં આ મિસ થયું હોય તેમ લાગે છે, તેથી બીજા ઘણા પાસા સારા હોવા છતાં ફિલ્મ એવરેજ લાગી રહી છે. જોકે એનટીઆરનો દબદબો અને છ વર્ષ બાદ આવેલી તેની સોલો ફિલ્મ નિર્માતાની તિજોરીઓ ભરી દેશે તે વાત નક્કી છે.
ફિલ્મની સ્ટોરી ખૂબ જ બાહોશ અને પ્રજાનું રક્ષણ કરનારા પિતા વરદા અને તેના ડરપોક, નબળા દીકરા દેવરા આસપાસ ફરે છે. પોતાની પ્રજાના રક્ષણ માટે વિલન ભૈરો સામે વરદા બાથ ભીડે છે અને લોકોને તો બચાવી લે છે, પણ પોતે જીવ ગુમાવે છે. હવે દીકરો દેવરા કઈ રીતે પિતાના રસ્તે ચાલે છે અને પ્રજાને બચાવે છે તે તો ફિલ્મ જોયા પછી ખબર પડે.
પિતા-પુત્રના રોલમાં જુનિયર એનટીઆરે કમાલ કરી છે. સૈફ અલી ખાન ભૈરોના રોલમાં સારી જમાવટ કરે છે. દેવરાની લવ લાઈફ જ્હાનવી થંગમના પાત્રમાં છે, પણ તેના ભાગે ખાસ કંઈ આવ્યું નથી. ફિલ્મના એક્શન સિકવન્સ, સિનેમેટોગ્રાફી સુંદર છે. ફર્સ્ટ હાફ મજા કરાવે છે, પણ સેકન્ડ હાફમાં દર્શકો બોર થાય છે. ક્લાઈમેક્સના એક્શન સિકવન્સ ઈનોવેટીવ છે.
કોરાટાલા શિવે નિર્દેશન પાછળ સારી મહેનત કરી છે, પરંતુ નબળી અને અતાર્કિક વાર્તા દર્શકોને કેટલી ગમે તે એકાદ અઠવાડિયમાં ખબર પડશે.
રિપોર્ટસનું માનીએ તો ફિલ્મ પહેલા જ અઠવાડિયે 100 કરોડનો બિઝનેસ કરશે, પરંતુ તે મુખ્યત્વે ઓવરસીઝ અને સાઉથ બેલ્ટમાં હશે, હિન્દી બેલ્ટમાં ફિલ્મને જોઈએ એવો પ્રતિસાદ ન મળે તેવી શક્યતા છે.
મુંબઈ સમાચાર રેટિંગ : 3/5