શિગેરુ ઈશિબા બન્યા જાપાનના નવા વડાપ્રધાન, જાણો તેમના વિશે
જાપાનના શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) એ શુક્રવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઇશિબાને તેના નવા નેતા તરીકે ચૂંટ્યા હતા, તેઓ હવે આવતા અઠવાડિયે વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. ઈશિબાને પાર્ટીના સાંસદો દ્વારા વોટિંગથી ચૂંટવામાં આવ્યા હતા. સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ગઠબંધન બંને ગૃહોમાં બહુમતીમાં છે, તેથી ઈશિબાનું વડાપ્રધાન બનવું લગભગ નિશ્ચિત છે. પાર્ટીની આ ચૂંટણીમાં બે મહિલા સહિત કુલ નવ ઉમેદવારો મેદાનમાં હતા. વર્તમાન વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે, અને પક્ષ આગામી સામાન્ય ચૂંટણી પહેલા લોકોનો વિશ્વાસ જીતવા માટે નવા નેતાની શોધમાં હતો.
હવે તમને કદાચ એવો વિચાર આવે કે શિગેરુ ઈશિબા કોણ છે, જેને જાપાને આમ અચાનક જ વડા પ્રધાન બનાવી દીધા તો તમને જણાવીએ કે શિગેરુ ઈશિબા નવા નથી પણ બહુ જૂના રાજકારણના ખેલાડી છે. શિગેરુ ઈશિબા પૂર્વ બેંકર છે. 1986માં તેઓ પોલિટિક્સમાં આવ્યા હતા. તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના મજબૂત નેતા છે. ઈશીબાએ દેશના ઊંચા ફુગાવાના દરોમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાનું વચન આપ્યું છે અને લોકોના વેતનમાં વધારો હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે પરમાણુ ઉર્જા પર નિર્ભરતા ઘટાડી રિન્યુએબલ એનર્જીના ફેલાવાને વધારવાનું પણ વચન આપ્યું છે. તેમણે ચીન અને ઉત્તર કોરિયાના જોખમોનો સામનો કરવા માટે નાટો સુરક્ષા બ્લોકના એશિયન આવૃતિની પણ હાકલ કરી છે.
જાપાનના નવા વડા પ્રધાન શિગેરુ ઈશિબા અમેરિકા સામે સ્પષ્ટપણે નિવેદનો આપવા માટે પણ જાણીતા છે . અમેરિકા અને જાપાન દાયકાઓથી એકબીજાના વિશ્વાસુ સાથી છે. જો કે, આ હોવા છતાં, ઇશિબા વારંવાર હિમાયત કરે છે કે જાપાને સંરક્ષણ અને વિદેશી બાબતોમાં અમેરિકાને અનુસરવાને બદલે વધુ સ્વાયત્તતા સાથે કામ કરવું જોઈએ. તેઓ જાપાન પર અમેરિકાના પ્રભાવને ઘટાડવાના પક્ષમાં માનવામાં આવે છે.
શિગેરુ ઈશિબાનો સંરક્ષણ પ્રધાન તરીકેનો કાર્યકાળ લોકપ્રિય રહ્યો છે. તેઓ પોતાની કેબિનમાં યુદ્ધ જહાજ અને ફાઈટર પ્લેનના મોડલ પણ રાખતા હતા. આ વખતે ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ આર્થિક સુરક્ષા પ્રધાન સાને તાકાઈચી અને ઈશિબા વચ્ચે હતી. એવી અટકળો ચાલી રહી હતી કે દેશને કદાચ પ્રથમ મહિલા વડાપ્રધાન મળી શકે છે. જોકે, પ્રથમ અને બીજા રાઉન્ડના મતદાન બાદ ઈશિબાએ પોતાની જીત નિશ્ચિત કરી દીધી છે. શિગેરૂને 215 મત મળ્યા છે, જ્યારે તાકાઈચીને 194 મત જ મળ્યા હતા.