આજથી અબુ ધાબીમાં શરુ થશે IIFA Awards, 25 વર્ષમાં માત્ર એક જ વાર ભારતમાં યોજાયો સમારોહ
મુંબઈ: વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો આઈફા એવોર્ડ (IIFA Award)નું ફંક્શન આજે શુક્રવારની સાંજથી અબુ ધાબી(Abu Dhabi)માં શરુ થશે. આ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા બોલિવૂડ સ્ટાર્સ અબુ ધાબીમાં એકઠા થયા છે. વર્ષ 2000માં લંડનમાં શરૂ થયેલો આઈફા એવોર્ડ આજે 25 વર્ષનો થઈ ગયો છે.
આ વર્ષે આઈફા એવોર્ડના સમારોહનું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે. આજથી શરૂ થનારો સમારોહ 3 દિવસ સુધી ચાલશે. સતત ત્રીજી વખત અબુ ધાબી આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 25 વર્ષમાં આ એવોર્ડ સમારંભ ભારતમાં માત્ર એક જ વાર આયોજિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારંભ 17 થી વધુ દેશોમાં યોજાઈ ચુક્યો છે.
વર્ષ 2000 માં, ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં પ્રથમ વખત આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સે એકસાથે ભાગ લીધો હતો. આ એવોર્ડ શોમાં ચીનના સુપર સ્ટાર જેકી ચેનને પણ ઓનરરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
આ પછી વર્ષ 2001માં આ એવોર્ડનું આયોજન દક્ષિણ આફ્રિકાના સનસિટીમાં કરવામાં આવ્યું હતું. આ શોને પ્રિયંકા ચોપરાએ હોસ્ટ કર્યો હતો. આ પછી, 2002 માં, મલેશિયાના જેન્ટિંગ હાઇલેન્ડ શહેરમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન લારા દત્તાએ કર્યું હતું.
વર્ષ 2003માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ અનિલ કપૂર સાથે દિયા મિર્ઝા હોસ્ટ હતી. આગલા વર્ષે 2004 માં, આ એવોર્ડ સિંગાપોરમાં યોજાયો હતો જેનું સંચાલન રાહુલ ખન્ના અને સેલિના જેટલીએ કર્યું હતું. આ વર્ષે જયા બચ્ચનને ફિલ્મ ‘કલ હો ના હો’ માટે સન્માનિત કરવામાં આવી હતી.
વર્ષ 2005 માં, આ એવોર્ડ નેધરલેન્ડમાં યોજાયો હતો અને કરણ જોહર સાથે ફરદીન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી 2006માં દુબઈ, 2007માં યુકે, 2008માં થાઈલેન્ડ, 2009માં મકાઉ, 2010માં શ્રીલંકા, 2011માં કેનેડા, 2012માં સિંગાપોર, 2013માં ચીન, 2014માં યુએસએ, 2015માં મલેશિયા, 2016માં સ્પેન, 2017માં યુએસએ અને આ 2018માં થાઈલેન્ડમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2019માં આઈફા એવોર્ડ્સ ફંક્શન ભારતમાં યોજાયું હતું. મુંબઈમાં યોજાયેલા આ એવોર્ડ શોને આયુષ્માન ખુરાના અને તેના ભાઈ અપારશક્તિ ખુરાનાએ હોસ્ટ કર્યો હતો. આ વર્ષે સલમાન ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, સારા અલી ખાન, કેટરિના કૈફ અને માધુરી દીક્ષિતે શોમાં પરફોર્મન્સ કર્યું હતું.
2019 પછી, આ એવોર્ડ કોરોનાને કારણે રોકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 2022માં અબુધાબીમાં આ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, 2023 માં પણ અહીં જ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ IIFA 2024 એવોર્ડ શોનું આયોજન અબુ ધાબીમાં જ કરવામાં આવી રહ્યું છે.
આ એવોર્ડ શો આજે સાંજથી શરૂ થઈ રહ્યો છે.