મનોરંજનમેટિનીસ્પેશિયલ ફિચર્સ

સદાબહાર સ્ટાઇલકિંગ દેવ આનંદ ભુલ જાવ પુરાની બાતેં..

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

સદાબહાર સ્ટાઇલિશ અભિનેતા-નિર્માતા-નિર્દેશક દેવ આનંદની ૧૦૧મી જન્મજયંતી ગઇ કાલે ગઇ. જગતમાં એકલે હાથે ૬૨ વર્ષ ફિલ્મો બનાવવાનો વિશ્ર્વવિક્રમ કોઇ ૧ ફિલ્મકંપનીના ૧ માલિકનો હોય તો એ દેવ આનંદનો. એ એવરયંગ કર્મઠ કલાકાર વિશે અનેક વાતો લખાઇ ચૂકી છે, આજે હું મારી વાત કહીશ….

૧૯૮૯માં દેવઆનંદના ‘આનંદ રેકોર્ડિંગ સ્ટુડિયો’માં એક ફિલ્મ ડબિંગ ચાલતું હતું , જેમાં હું ચોથો આસિસ્ટંટ ડિરેક્ટર હતો. મારા ભાગે જુનિયર આર્ટિસ્ટના, ભીડનાં સંવાદોના ડબિંગ કરાવવાનું કામ આવ્યું હતું. બીજા એક આસિસ્ટંટની ભૂલને લીધે અમારું બૂકિંગ કેન્સલ થયેલુ. જો મારા બોસને એની ખબર પડે તો નોકરી જાય એવી હાલત. હું ડરતાં-ડરતાં સ્ટુડિયોના માલિક દેવઆનંદ પાસે ગયો. એક તો દેવઆનંદનો અમાપ કરિશ્મા, સ્ટારડમ અને ઉપરથી અમારી જ ભૂલ એટલે વાત કરતા જીભ ના ઊપડે, થોડીવારે અચકાઇને મેં કહ્યું:
‘સર, મારાથી બૂકિંગમાં ગડબડ થઈ ગઇ છે. ડબિંગનું કામ અટકશે તો મારી નોકરી જશે…’

દેવસાહેબે ૧ જ સેક્ધડમાં મેનેજરને ફોન કરીને કહ્યું:
‘સુનો..આજ મેરી હી ડબિંગ થી વો કેન્સલ કરો ઔર ઇન લડકોં કો કામ કરને દો. મૈં રાત તક વેઈટ કરુંગા…! ’

હું થેંકસ’ કહું એ પહેલાં તો દેવ આનંદે, ચીલઝડપે કેબિનની બહાર નીકળતા નીકળતા ટર્ન થઈને આંખ મારી એટલું જ કહ્યું:
‘કેરી ઓન, દેવ કા સ્ટુડિયો આપ કા હૈ, એંજોય!’

હું કંઇ સમજું કે બોલું તે પહેલાં તો દાદરા ઊતરીને દેવ ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી. એ જમાનામાં ફિલ્મલાઇનમાં ચા-કોફીમાં સ્હેજ સાકર પણ ઓછી હોય તો શૂટિંગ કેન્સલ કરનારા તુમાખીવાળા ફિલ્મસ્ટાર્સ હતા. એવામાં દંતકથા સમાન દેવ આનંદે, એકમામૂલી આસિસ્ટંટ ડાયરેક્ટર માટે પોતાનું ડબિંગ કેન્સલ કરે એ ઘટના કહેવાય.

એ જ આનંદ રેકોર્ડિંગ સ્ટુડિયો’માં મેં લખેલ ફિલ્મ ૨૦૦૧માં ફિલ્મ કહીં પ્યાર ના હો જાયે’નું ડબિંગ ચાલતું હતું. હું સલમાન ખાન સાથે ત્યાં હાજર હતો. પાછળથી સલમાનને દેવસાહેબે અચાનક ધબ્બો માર્યો.
સલમાને ટર્ન થઈને કહ્યું:
અરે, દેવસા’બ કૈસે હો?

દેવસાહેબે તરત કહ્યું:
‘સલમાન, કિતની બાર કહું-કોલ મી દેવ. સુનો, અગલે વીક ક્યા કર રહે હો? મેરી નયી ફિલ્મકા સેટ લગા હુઆ હૈ, એક ગાનેમેં સ્પે. એંન્ટ્રી કરોગે?’

સલમાને તરતજ કહ્યું: ‘ઓહ સર , મૈં ઝરુર આતા, પર મૈં લંડન જા રહા હું. આપ અગર વેઇટ કરે લે તો….’

સલમાન વાત પૂરી કરે તે પહેલાં જ દેવ આનંદે કહ્યું: ‘કોઈ બાત નહીં, આઈ અન્ડરસ્ટેન્ડ, ચલો યે ગાના ભી મેં હી પરફોર્મ કર લુંગા. નેકસ્ટ ટાઈમ….’ આમ બોલીને એ ફટાફટ જતા રહ્યા .કોઈ સિનિયોરિટીના દાવા નહીં, કોઈ સ્ટારને પટાવવાની વાત નહીં, કોઈ પ્રેશર નહીં. એક સ્ટારની તકલીફ બીજો સ્ટાર સમજી લે એટલી સહજતા એટલે દેવ…

૨૦૦૩માં હું સંગીતકાર જતીન-લલિતને મળવા એમના ગીતનાં રેકોર્ડિંગમાં ગયો હતો. જતીન-લલિત હજી આવ્યા નહોતા. નોર્મલી સંગીતકારના આસિસ્ટન્ટ્સ મ્યુઝિશિયન પાસે રિહર્સલ કરાવે, વાજિંત્રો ટ્યૂન થાય અને પછી સંગીતકાર આવે, ગાયકો ગાય અને ત્યાર પછી નિર્માતા-નિર્દેશક મોડે મોડે આવીને ગીત સાંભળે પણ સવારે ૭ વાગ્યાની શિફ્ટમાં દેવ આનંદ, કોઈનાંયે આવ્યા પહેલાં રેકોર્ડિંગમાં પહોંચી ગયેલા ને ખૂણામાં બુક વાંચતા હતા.

સંગીતકાર જતીને આવતાંની સાથે માફી માગી કે:
‘અરે, દેવસા’બ, આપ ઈતને જલ્દી આ ગયે? અભી તો રેકોર્ડિંગ મે કાફી ટાઈમ લગેગા. આપને અભી સે ક્યું તકલીફ કી?’

ત્યારે લગભગ ૮૦ વર્ષના દેવ આનંદે હસીને કહ્યું: ઇટ્સ ઓલરાઈટ, મૈં યહાં બૈઠુંગા, તૈયારીયાં દેખૂંગા, મ્યુઝિક સુનુંગા, સ્ટુડિયો કી હવામેં સાંસ લૂંગા, સિનેમા મહેસૂસ કરુંગા. ઘર પર બૈઠને સે યહાં મુઝે જ્યાદા મઝા આતા હૈ.

ધીસ ઇઝ લાઈફ! જે ઉંમરે સામાન્ય લોકો મંદિરે માંડ જઇ શકે છે એ ઉંમરે સવારે ૮ વાગ્યે દેવસાહેબ સિનેમાને મહેસૂસ કરવા ટટ્ટાર શરીરે પહોંચી જતા.

રણધીર કપૂરે મને એક શૂટિંગમાં દેવ આનંદની લાઈફની ફિલોસોફી અને બીજા સ્ટાર્સની ફિલોસોફીને પાસેપાસે મૂકીને કમાલનો કિસ્સો કહેલો છે.

રાજકપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનાં લગ્ન હતાં. એક સવારે રણધીર અને રિશી કપૂર દિલીપકુમારના ઘરે કંકોત્રી આપવા પહોંચ્યા. દિલીપકુમારે પોતાની મધ્યમ સૂરાવલિમાં વાતો માંડી. મોઘલ સલ્તનતથી માંડીને ભારતના ભાગલા, શેકસપિયર અને મિર્ઝા ગાલિબ સુધીની ગોઠડી માંડી. બોલ્યા. ઉર્દૂ-હિન્દી શબ્દોમાં અલંકારો રેડીરેડીને કલાકો સુધી જૂની વાતોનો દોર ચાલ્યો. કાર્ડ આપી માંડ માંડ એ લોકો નીકળ્યા.
ત્યાંથી સીધા જુહૂ પર દેવ આનંદને ત્યાં કપૂર બંધુઓ કાર્ડ આપવા એન્ટર થયા. દેવ આનંદે ટાઈ પહેરતાં-પહેરતાં કહ્યું:
બ્રધર્સ, યુ આર લેઈટ.. બોલો ક્યા બાત હૈ?

રણધીરે રાજીવના લગ્નનું કાર્ડ આપ્યું. દેવ આનંદે વાંચીને કહ્યું:

ઓફકોર્સ આઈ વીલ કમ, રાજીવ ઈઝ માય કલીગ, દોસ્ત હૈ, હમ સાથ કામ કરતે હૈંએક હી ઈન્ડસ્ટ્રી મેં…- અને જૂતાં પહેરીને તરત જ નીકળતા-નીકળતા પોતાની નવી ફિલ્મની વાત કરતા કહ્યું, ચલો આપકો ઔર ભી કાર્ડ દેને જાના હોગા…ડોન્ટ વેસ્ટ ટાઈમ. ચીમ્પૂ કો બોલના ઓલ ધ બેસ્ટબાય..-માત્ર ૫ જ મિનિટમાં વાત પતાવીને દેવ ગાડીમાં નીકળી ગયા. ક્યાં દિલીપકુમાર જેવા વિતેલા વરસોના સ્ટાર જે ગયાં વર્ષો, રહ્યાં વર્ષો’ના અતીતરાગમાં ઉલઝીને જીવતો હતો ને ક્યાં આ માણસ જે પૌત્રની ઉંમરના રાજીવ કે ચીંપુને ‘કલીગ’ કહી શકે છે !

દેવ આનંદે હંમેશાં આવનારા સમયમાં આંખ મિલાવીને જીવન જીવ્યું. નિર્દેશક ગુરૂદત્ત કે રાજ ખોસલાથી માંડીને ઝીનત અમાન કે જેકી શ્રોફ જેવા અનેકોને પહેલો ચાન્સ આપનાર નિર્માતા-નિર્દેશક-અભિનેતા… દેવ આનંદ ખરા અર્થમાં અમર છે. ભારતીય સિનેમામાં સૌથી લાંબો સમય ૬૫ વરસ સ્ટાર-હીરો રહેનારા દેવનો મંત્ર હતો :
ભૂલ જાવ પુરાની બાતેં..!

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…