દિવાળી પછી યોજાશે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હિલચાલ શરૂ
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અને હરિયાણા બાદ હવે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજતા પહેલા ચૂંટણી પંચની ટીમ પહેલા ઝારખંડ જઇ પરિસ્થિતિનો તાગ મેળવશે અને પછી મહારાષ્ટ્ર જશે. મુખ્ય ચૂંટણી કમિશનર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજતા પહેલા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને નક્કી કરશે કે આ બંને રાજ્યોમાં ચૂંટણી ક્યારે યોજવી જોઈએ. એમ માનવામાં આવે છે કે દિવાળી પછી બંને રાજ્યોની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં મતગણતરી બાદ ગમે ત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય ચૂંટણી પંચ જ લેશે.
કાશ્મીરમાં 1 ઓક્ટોબરે મતદાન છે અને હરિયાણામાં 5 ઓક્ટોબરે અંતિમ ત્રીજા તબક્કાનું મતદાન છે અને આઠ ઑક્ટોબરે પરિણામ જાહેર થશે. તેથી એમ માનવામાં આવે છે કે ચૂંટણી પંચ આઠ ઑક્ટોબર પછી જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પહેલા પંચે અહીં ચૂંટણી કરાવવાની છે. અગાઉ 288 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં 2019ની ચૂંટણી હરિયાણા સાથે યોજાઈ હતી. મહારાષ્ટ્રના CEO,પોલીસ વડા અને સરકારના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ રાજકીય પક્ષો અને અન્ય લોકો સાથે વિગતવાર ચર્ચાવિચારણા કર્યા બાદ જ મહારાષ્ટ્રમાં ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવશે.
મહારાષ્ટ્રમા પરિસ્થિતિની સમીક્ષા કરતા પહેલા ચૂંટણી પંચે 23 અને 24 સપ્ટેમ્બરે રાંચી જઈને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના આયોજનની સમીક્ષા કરી હતી. તેમણે તમામ પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી હતી. રાજકીય પક્ષોએ દિવાળી, છઠ, દુર્ગા પૂજા અને રાજ્ય સ્થાપના દિવસ જેવા રજાના દિવસોના મુદ્દા ઉઠાવ્યા હતા અને ઓછું મતદાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી અને એવો મત પ્રગટ કર્યો હતો કે આ દિવસોમાં મતદાનની તારીખો રાખવી જોઈએ નહીં. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 નવેમ્બર 2024 ના રોજ પૂરો થઇ રહ્યો છે. તેથઈ અહીં નવેમ્બરના અંત કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઇ શકે છે. એક સમયે નકસ્લવાદથી પ્રભાવિત આ રાજ્યમાં હાલમાં તો શાંતિ છે. છતાં પણ તહેવારો અને નકસ્લવાદ સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું આયોજન કરવામાં આવશે, એમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.