નવી દિલ્હી : દેશમાં આ વર્ષે સમગ્ર દેશમાં સારો વરસાદ થયો છે. દેશના ઘણા ભાગોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જો કે તેના કારણે સામાન્ય લોકો મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. ડુંગળી (Onion Price Hike)અને ટામેટાં તેમજ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
સામાન્ય લોકોનું રસોડાનું બજેટ ખોરવાયું
મીડિયા અહેવાલ અનુસાર મેટ્રો શહેરોના મોટા ભાગના છૂટક બજારોમાં ડુંગળી અને ટામેટાના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર મોટા શહેરોમાં કેપ્સિકમ,મેથી અને પાલક જેવા લીલા શાકભાજીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ ખોરવાયું છે. જ્યારે કોથમીરનો ભાવ તો રૂપિયા 400 સુધી પહોંચ્યો છે.
જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીના વેપારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ડુંગળી, ટામેટા અને લીલા શાકભાજીના ભાવમાં આ વધારાનું મુખ્ય કારણ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ છે. એશિયાના સૌથી મોટા શાકભાજી અને ફળ બજારના વેપારીઓ કહે છે કે મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ વગેરે જેવા મુખ્ય શાકભાજી ઉત્પાદક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઉત્પાદનને અસર થઈ છે. બીજી તરફ વરસાદના કારણે રસ્તાઓને નુકસાન થતાં સપ્લાય ચેઈનને અસર થઈ છે.
સરકાર રાહત ભાવે ડુંગળી વેચી રહી છે
આ મહિનામાં વરસાદની મોસમમાં શાકભાજીના ભાવ વધી જાય છે. બાદમાં તેમની કિંમતો ધીમે ધીમે ઘટે છે. ડુંગળીના મામલે સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે તેને સબસિડી પર વેચવાનું શરૂ કરી દીધું છે. ડુંગળીના ઊંચા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે 5 સપ્ટેમ્બરથી મોટા શહેરોમાં તેને રાહત ભાવે વેચવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત લોકોને 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ટામેટાંનું રાહત દરે વેચાણ શરૂ થઈ શકે છે
સરકાર સહકારી એજન્સી NCCF અને NAFED દ્વારા સબસિડીના ભાવે ડુંગળી વેચી રહી છે. સરકારના બફર સ્ટોકમાંથી રાહત ભાવે ડુંગળી વેચાઈ રહી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આગામી દિવસોમાં સરકાર ટામેટાંનું સબસિડીના ભાવે વેચાણ પણ શરૂ કરી શકે છે. ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા બાદ સરકારે ગયા વર્ષે રાહતદરે વેચાણ કર્યું હતું. જેનાથી ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળી હતી.