Gujarat માં સવારના બે કલાકમાં 42 તાલુકામાં વરસાદ, અમરેલીના બાબરામાં 1.6 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે વરસાદ ફરી શરૂ થયો છે. રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યમાં આજે સવારના બે કલાક સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
વહેલી સવારથી વરસાદ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ યથાવત્ છે. જેમાં રાજ્યમાં અંદાજીત 42 જેટલા તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના બાબરામાં 1.6 ઇંચ વરસી ચુક્યો છે. આ ઉપરાંત આજે વહેલી સવારે છથી આઠ વાગ્યાના બે કલાક સુધીમાં બાબરામાં 27 મિમી, ચૂડામાં 20 મિમી, ભેસાણમાં 18 મિમી, કુકાવાવમાં 15 મિમી, રાણપુરમાં 15 મિમી, વઢવાણમાં 10 મિમી, વિસાવદરમાં 10 મિમી જેટલો વરસાદ વરસી ચુક્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં 211 મિમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સોનગઢમાં 159 મીમી, વિસાવદરમાં 152 મીમી, ઘોઘોમાં 151 મીમી, પાલિતાણામાં 110 મીમી, વાપીમાં 109 મીમી, વલ્લભીપુરમાં 107 મીમી અને પારડીમાં 106 મીમી વરસાદ ખાબક્યો હતો.