કાશ્મીરને લગતી કલમ ૩૭૦ કદી પાછી ના આવે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાન પહેલાં જ શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦નો મુદ્દો ઉપાડ્યો છે. રાશિદ એન્જિનિયરે એલાન કર્યું છે કે, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ પાછી લાવવા માટેનો કોઇની પાસે રોડ મેપ હોય તો પોતે તેની સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. રાશિદે એલાન પણ કર્યું છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચન આપે કે, કૉંગ્રેસ ભલે ૫૦ વર્ષ બાદ સત્તામાં આવે પણ જ્યારે પણ સત્તામાં આવશે ત્યારે કલમ ૩૭૦ને પુન:સ્થાપિત કરવા માટે બિલ લાવશે તો હું તેમનું સમર્થન કરવા તૈયાર છું.
જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું પછી બીજા તબક્કાનું મતદાન ૨૫ સપ્ટેમ્બરે યોજાવાનું હતું એ પહેલાં જ રાશિદે ૩૭૦મી કલમનો મુદ્દો ઉઠાવીને રાજકીય ઉત્તેજના પેદા કરી દીધી. જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ખીણમાં ૪૭ અને જમ્મુમાં ૪૩ બેઠકો છે. જમ્મુની તમામ ૪૩ બેઠકો પર મતદાન બીજા અને ત્રીજા તબક્કામાં છે અને એ પહેલાં જ રાશિદે આ મુદ્દો ઉપાડ્યો એ મહત્ત્વનું છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત નેતા એવા એન્જિનિયર રાશિદે લોકસભા ચૂંટણીમાં બારામુલ્લા બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. રાશિદે જેલમાં રહીને આ ચૂંટણી જીતી હતી. રાશિદની પાર્ટીનું નામ અવામી ઇત્તેહાદ પાર્ટી (એઆઇપી) છે અને વિધાનસભા ચૂંટણી માટે એઆઈપીએ પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન કર્યું છે.
રાશિદ એન્જિનિયરે પહેલા તબક્કાના મતદાન પછી જ આ મુદ્દો કેમ ઉઠાવ્યો એ સમજવા જેવું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં રાશિદ એન્જિનિયરના વિરોધીઓ તેમને ભાજપના એજન્ટ અને દિલ્હીનો માણસ ગણાવી રહ્યા છે. રાશિદ એન્જીનિયર પાંચ વર્ષથી જેલમાં હતા ને ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં મતનું વિભાજન કરવા માટે છોડ્યા છે એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે ને રાશિદ એન્જિનિયર એ રીતે જ વર્તી રહ્યા છે. એ બીજા અને ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપને ફાયદો ને કૉંગ્રેસને નુકસાન કરાવવા માટે વર્તી રહ્યા છે.
કાશ્મીર ખીણમાં એક વર્ગ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ પાછી લાવવાની તરફેણમાં છે કેમ કે કશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે. નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સહિતના પક્ષોનો અહીં પ્રભાવ છે કે જે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ પાછી લાવવાની તરફેણમાં છે. જમ્મુમાં બહુમતી વર્ગ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ની તરફેણમા નથી કેમ કે જમ્મુમાં હિંદુ અને શીખોની બહુમતી છે.
આ ચૂંટણીમાં અબ્દુલ્લા પરિવારની નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ જોડાણ કરીને લડી રહ્યાં છે. આ પૈકી નેશનલ કોન્ફરન્સને ૫૮ જ્યારે કૉંગ્રેસને ૩૮ બેઠકો અપાઈ છે. સીપીએમ અને પેન્થર્સ પાર્ટી પણ આ જોડાણમાં ભાગીદાર છે કે જે એક-એક બેઠક પર લડી રહ્યાં છે. આ જોડાણે ૯૦ બેઠકો પૈકી ૮૪ બેઠકો પર એક જ ઉમેદવાર ઊભો રાખ્યો છે જ્યારે ૬ બેઠકો પર ફ્રેન્ડલી ફાઈટ છે. મતબેંકનાં સમીકરણોને ધ્યાનમાં રાખીને આ બેઠકો પર બહુપાંખિયો જંગ લડવાનું આ જોડાણે નક્કી કર્યું છે. બેઠકોની વહેંચણીમાં કૉંગ્રેસને જમ્મુમાં વધારે બેઠકો અને નેશનલ કોન્ફરન્સને કાશ્મીર ખીણમાં વધારે બેઠકો ફાળવાઈ છે.
ભાજપ ૬૨ બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. જમ્મુની તમામ બેઠકો પર ભાજપે ઝંપલાવ્યું છે અને ભાજપનો અસલી મદાર હિંદુ અને શીખ મતદારો પર છે. જમ્મુમાં કૉંગ્રેસ સામે તેની સીધી ટક્કર છે તેથી કૉંગ્રેસને સીધું નુકસાન કરાય એવા તમામ પેંતરા ભાજપ અજમાવી રહ્યો છે. આ પેંતરા પૈકીનો એક પેંતરો કૉંગ્રેસ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ પાછી લાવવા માગે છે એવો પ્રચાર છે અને રાશિદ એન્જિનિયર એ જ કામ કરી રહ્યા છે. રાશિદ એન્જિનિયરે એ કામ કરવું પડે છે કેમ કે કૉંગ્રેસે શાણપણ વાપરીને પોતાના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ પાછી લાવવાની વાત કરી નથી.
રાશિદ એન્જિનિયર કૉંગ્રેસ વિરૂદ્ધ બીજાં પણ નિવેદનો ફટકારી રહ્યા છે ને ભાજપની તરફદારી રહ્યા છે. એન્જિનિયરના કહેવા પ્રમાણે, નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસનું ગઠબંધન અપવિત્ર ગઠબંધન છે તેથી લોકો તેને નકારી કાઢશે. રાશિદના કહેવા પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરનાં લોકો રાહુલ ગાંધીનું સમર્થન નહીં કરે કેમ કે કૉંગ્રેસે કાશ્મીરીઓને નીચા દેખાડ્યા છે અને કાશ્મીરનું અસલી નુકસાન કૉંગ્રેસે કર્યું છે. રાશિદના કહેવા પ્રમાણે તો કલમ ૩૭૦ની નાબૂદ એક રાજકીય યુદ્ધ હતું અને આ યુધ્ધ રાજકીય રીતે લડવું જોઈએ પણ કૉંગ્રેસ સહિતના પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર ન હતી.
રાશિદે મોદીનાં વખાણ કરતાં એમ પણ કહ્યું કે, આર્ટિકલ ૩૭૦ માત્ર એક હાડપિંજર હતું અને મોદીએ તેને દફનાવી દીધું છે.
રાશિદ એન્જિનિયરની વાતો ચોક્કસ એજન્ડા સાથેની છે એ સ્પષ્ટ છે પણ તેના કરતાં વધારે સ્પષ્ટ વાત એ છે કે, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ હવે કોઈ પણ સંજોગોમાં પાછી લાવી શકાય તેમ નથી. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ની નાબૂદી પર સંસદે મંજૂરીની મહોર મારી દીધી પછી સુપ્રીમ કોર્ટે પણ તેના પર મંજૂરીની મહોર મારી દીધી છે. હવે કોઈ ઉપરથી નીચે થઈ જાય તો પણ કલમ ૩૭૦ પાછી આવવાની નથી. આ વાત કૉંગ્રેસ પણ સ્વીકારી ચૂકી છે પણ ભાજપને એ વાત પચતી નથી. કૉંગ્રેસને દેશવાસીઓની નજરમાં વિલન ચિતરવાનો મુદ્દો તેના હાથમાંથી સરકી રહ્યો છે.
કાશ્મીરના પ્રાદેશિક પક્ષો પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ તેમનાથી આ મુદ્દો છોડાય તેમ નથી. એ લોકો કલમ ૩૭૦ પાછી લાવવાની વાતો કરે તેનાથી બહુ ફરક પડતો નથી કેમ કે કાશ્મીરમાં તેમની સત્તા આવશે તો લોકો કલમ ૩૭૦ પાછી લાવી શકવાના નથી. એ લોકો એવી માગણી કરે તેમાં કશું ખોટું પણ નથી. ભારતના બંધારણના દાયરામાં રહીને કરાતી કોઈ પણ માગણી કરવાનો તેમને અધિકાર છે પણ કલમ ૩૭૦ પાછી લાવવાનું સંસદના હાથમાં છે ને આ દેશની સંસદમાં કદી ૩૭૦ પાછી લાવવાની તરફેણ કરનારા સાંસદોની બહુમતી થવાની નથી.