એશિયન ગેમ્સ-2022માં ભારતની પારુલ ચૌધરીએ ઈતિહાસ રચ્યો છે. તેણે 5000 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરી એશિયન ગેમ્સ-2022માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની ત્રીજી ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ બની છે. પારુલે 3000 મીટરની દોડમાં ભારત માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. ભારતીય એથ્લેટે 5000 મીટરની દોડમાં 15 મિનિટ 14:75 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પારુલે છેલ્લી 30 સેકન્ડમાં આખી ગેમ ફેરવી દીધી હતી.
જીત બાદ પારુલ ચૌધરી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. શરૂઆતમાં તે ઘણી પાછળ રહી ગઈ હતી. પરંતુ છેલ્લી થોડી સેકન્ડોમાં તેણે બાજી પલટી દીધી હતી. તેની જીત બાદ ત્યાં હાજર બધાએ તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. જો પારુલના આ ગોલ્ડ મેડલને ઉમેરીએ તો અત્યાર સુધીમાં ભારતના ખાતામાં કુલ 14 ગોલ્ડ મેડલ છે.
પારુલ ચૌધરી એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તે ઘણીવાર ચાલતી સ્ટેડિયમ જતી હતી. આજે તે દેશની નંબર વન રનર છે. પારુલના પિતાનું નામ કિશનપાલ છે. પારુલની બહેન પણ દોડવીર છે. મેરઠના દૌરાલા ગામની રહેવાસી પારુલે લોસ એન્જલસમાં 3000 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. પારુલ ચૌધરીએ 9 મિનિટ 27.63 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સના 10માં દિવસે અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ 4 મેડલ જીત્યા છે. જેમાં 1 ગોલ્ડ મેડલ ઉપરાંત 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ત્યારે અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ 64 મેડલ જીતી ચૂક્યા છે. જેમાં 15 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતીય ખેલાડીઓએ 24 સિલ્વર મેડલ અને 26 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત મેડલ લિસ્ટમાં ચોથા સ્થાને છે. જ્યારે ચીન નંબર વન પર છે. તેમજ જાપાન બીજા ક્રમે છે. ચીન અને જાપાન પછી દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને