નેશનલ

“તમારા પરાક્રમો એવાં છે કે મોદી તમારી સાથે જોડાઇ ન શકે…”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં જનસભા સંબોધીને તેલંગાણામાં રેલી યોજી હતી. હૈદરાબાદમાં રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેલંગાણાને એક ગુજરાતી દીકરા સરદાર વલ્લભભાઇ પટેલે આઝાદી અપાવી હતી. હવે બીજો ગુજરાતી દીકરો વિકાસ કરવા માટે આવ્યો છે. આ પછી પીએમ મોદીએ દાવો કર્યો હતો કે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવને ભાજપમાં જોડાવું હતું, પરંતુ તેમને રિજેક્ટ કરવામાં આવ્યા.

પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું, “હું તમને એક રહસ્ય જણાવવા માંગુ છું, કેસીઆર એક સમયે ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનમાં જોડાવા ઇચ્છતા હતા પરંતુ અમે જ તેમની વિનંતી નકારી દીધી હતી. જ્યારે હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 48 બેઠકો મળી હતી ત્યારે કેસીઆરને સપોર્ટની જરૂર હતી. તેઓ પહેલા મારું ઘણું સન્માન કરતા, એરપોર્ટ પર ફૂલમાળા લઇને આવતા, હવે તેઓ નારાજ થઇ ગયા છે.”

“તમારા પરાક્રમો એવાં છે કે મોદી તમારી સાથે જોડાઇ ન શકે.” વડા પ્રધાને આગળ સંબોધનમાં કહ્યું, “તેમણે એવું કહ્યું કે તેમને NDA સાથે જોડાવવું છે, મેં તેમને કહ્યું કે અમે વિપક્ષમાં બેસી શકીએ છીએ પરંતુ તેલંગાણાની જનતા સાથે દગો નહિ કરીએ. અમે તેમને NDAમાં એન્ટ્રી ન આપી. કેસીઆર એ કહ્યું કે તેઓ ઉંમરલાયક થઇ ગયા છે. અમારે તેમના પુત્ર કેટીઆર આવેતો આશીર્વાદ આપવા. જો કે અમે કહ્યું કે દેશમાં લોકતંત્ર છે, તમે કઇરીતે તમારા પુત્રને ગાદી આપી શકો.” પીએમ મોદીએ જણાવ્યું.

તમને જણાવી દઈએ કે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ (KCR) એ તેમની પાર્ટી ‘તેલંગાણા રાષ્ટ્ર સમિતિ’ (TRS)નું નામ બદલીને ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ (BRS) કર્યું છે. કેસીઆરએ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે ચૂંટણી લડવાની તેમની યોજનાઓની રૂપરેખા આપી છે.

આ દરમિયાન પીએમએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “ભાજપ સામાન્ય લોકો માટે કામ કરે છે. તેલંગાણાના લોકોએ કોંગ્રેસથી પણ સાવધ રહેવાની જરૂર છે. સમગ્ર દેશે કોંગ્રેસને નકારી કાઢી છે. એકવાર કોંગ્રેસ સત્તા પરથી જાય છે, પછી તેના માટે પાછા ફરવું મુશ્કેલ બની જાય છે. કોંગ્રેસ મતોના ભાગલા પાડવાનું કામ કરી રહી છે, આ માટે BRSએ તેની તિજોરી ખોલી છે. તેલંગાણામાં BRSની હાર નિશ્ચિત છે, તેનું વિદાય નિશ્ચિત છે.” તેમ વડા પ્રધાને કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button