આમચી મુંબઈસ્પોર્ટસ

અંધેરીના ગુજરાતી ખેલાડી પ્રકાશ રાઠોડની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમનો વર્લ્ડ ઇન્ડોર ક્રિકેટમાં પડકાર

શુક્રવારથી શ્રીલંકામાં રોમાંચક ટૂર્નામેન્ટ: ટીમમાં બધા જ ઑલરાઉન્ડર, બૅટર્સ જોડીમાં રમશે ચાર-ચાર ઓવર

(અજય મોતીવાલા)

મુંબઈ:
ભારત આઉટડોર ક્રિકેટમાં (વન-ડે તથા ટી-20માં) વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂક્યું છે, પરંતુ ભારતમાં ખૂબ જ ઓછી જાણીતી છતાં ઘણા દેશોમાં લોકપ્રિય ઇન્ડોર ક્રિકેટમાં ભારતને ચૅમ્પિયન બનવાની દૃઢતા સાથે મુંબઈ સહિત દેશના ઘણા ભાગોમાંથી ખેલાડીઓ શ્રીલંકા પહોંચી ગયા છે જ્યાં તેઓ શુક્રવાર, 27 સપ્ટેમ્બરે શરૂ થનારી ‘ઇન્ડોર ક્રિકેટ માસ્ટર્સ વર્લ્ડ સિરીઝ-2024’માં ઇન્ડોર ક્રિકેટના મોટા દેશો સામે પડકાર ફેંકશે. આ ટૂર્નામેન્ટમાં ઉંમર પર આધારિત વિવિધ કૅટેગરીમાં મૅચો રમાશે અને એમાં મુંબઈનો પ્રકાશ તેજાલાલ રાઠોડ નામનો ખેલાડી 35-પ્લસ કૅટેગરીની ભારતીય ટીમની કૅપ્ટન્સી સંભાળી રહ્યો છે.

આ પણ વાંચો: પેરા એશિયન ગેમ્સ: ભારતના ઐતિહાસિક પ્રદર્શનમાં છ ગુજરાતી ખેલાડીઓનું યોગદાન

પ્રકાશ રાઠોડે ‘મુંબઈ સમાચાર’ને આ ટૂર્નામેન્ટ વિશે વિગતવાર માહિતી આપવાની સાથે ભારતીય ખેલાડીઓ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ સહિત કેટલાક દેશોમાં ઇન્ડોર ક્રિકેટ ખૂબ જ પૉપ્યુલર છે. ત્યાંના ક્રિકેટ બોર્ડ તેમ જ ત્યાંની સરકાર આ પ્રકારની ક્રિકેટના ફેલાવા માટે પર્સનલી ધ્યાન આપે છે જેને કારણે ત્યાં ઇન્ડોર ક્રિકેટ માટે વર્ષોથી ઘણી માળખાકીય સગવડો ઊભી કરાઈ છે. આપણે ત્યાં બેન્ગલૂરુમાં એ સુવિધા છે એટલે અમે કોલંબો જતાં પહેલાં ત્યાં પ્રૅક્ટિસ કરી હતી. ઑસ્ટ્રેલિયા છેલ્લા 11 વર્ષથી ચૅમ્પિયન બને છે. આપણા દેશમાં ઇન્ડોર ક્રિકેટ બાબતમાં જોઈએ એવી જાગૃતિ નથી, પણ અમે ભારતને ચૅમ્પિયન બનાવવાના ઇરાદા સાથે શ્રીલંકા આવ્યા છીએ.’

દુબઈમાં એક મોબાઈલ કંપનીમાં નોકરી કરતો પ્રકાશ રાઠોડ મેઘવાળ સમાજનો છે અને મુંબઈમાં અંધેરીમાં રહે છે. તેને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો અને મુંબઈમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તે થોડા વર્ષો પહેલાં નોકરી માટે દુબઈ ગયો ત્યારે મિત્રએ તેને ઇન્ડોર ક્રિકેટ રમતા શીખવ્યું હતું. આ પ્રકારની ક્રિકેટમાં તે સારું રમવા લાગ્યો એટલે નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગ્યો હતો અને હવે ભારતની 35-પ્લસ કૅટેગરીની ટીમનો કૅપ્ટન બની ગયો છે. પ્રકાશે ‘મુંબઈ સમાચાર’ને કહ્યું, ‘મેન્સ 35-પ્લસ કૅટેગરીમાં કોલકાતાનો વિપુલ શાહ નામનો બીજો ગુજરાતી ખેલાડી પણ છે, જ્યારે અન્ય કેટલીક કૅટેગરીમાં પણ ગુજરાતી પ્લેયર્સ છે.’

પ્રકાશ રાઠોડ કહે છે, ‘સામાન્ય રીતે ઇન્ડોર ક્રિકેટ માટેની ટીમમાં બધા ઑલરાઉન્ડર્સ હોય. બધાએ અસરદાર બૅટિંગ અને બોલિંગ કરવાની હોય. ભારતની ટીમ સ્ટ્રૉન્ગ છે અને ચૅમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે.’
‘ઇન્ડોર ક્રિકેટ માસ્ટર્સ વર્લ્ડ સિરીઝ-2024’ની અન્ય કેટલીક કૅટેગરીમાંના ગુજરાતી ખેલાડીઓની વિગત આ મુજબ છે: હીરેન પ્રજાપતિ (40-પ્લસ, મુંબઈ), સમીર શાહ (40-પ્લસ, મુંબઈ), પ્રશાંત કારિયા (40-પ્લસ, મુંબઈ), પારસ શેઠ (45-પ્લસ, કોલકાતા).

આ પણ વાંચો: ગૌતમ ગંભીર હેડ-કોચ બનતાં જ બે ગુજરાતી સહિત ત્રણ ખેલાડીની ટીમમાંથી બાદબાકી નકારી ન શકાય

ભારતીય મહિલાઓની ટીમ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે અને એમાં 30-પ્લસ કૅટેગરીની ટીમમાં અમદાવાદની દિશા પટેલ મહિલા ટીમની કૅપ્ટન છે.

ટૂર્નામેન્ટ પર એક નજર, ફૉર્મેટ કેવું છે?

27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર સુધી ચાલનારી 10 દિવસની ‘ઇન્ડોર ક્રિકેટ માસ્ટર્સ વર્લ્ડ સિરીઝ-2024’માં ઉંમર પર આધારિત કુલ છ વર્ગમાં સ્પર્ધા રમાશે. ભારત સહિત નવ દેશની કુલ 42 ટીમો ભાગ લઈ રહી છે. કુલ મળીને 500 ખેલાડીઓ પોતાની ટૅલન્ટ અને ક્ષમતા આ સ્પર્ધામાં બતાવશે.

સામાન્ય રીતે સીઝન બૉલથી આઉટડોર ક્રિકેટ રમાતી હોય છે. જોકે ઇન્ડોર ક્રિકેટમાં વપરાતો બૉલ થોડો સૉફ્ટ, પરંતુ સ્પેશિયલ હોય છે. 16-16 ઓવરની પ્રત્યેક મૅચ હોય છે. ટીમમાં આઠ-આઠ ખેલાડી હોય છે. બે ખેલાડીની જોડી બૅટિંગ કરવા આવે છે અને તેમણે કુલ ચાર ઓવર રમવાની હોય છે. બૅટર આઉટ થતાં બહાર ન આવી જાય, પરંતુ વિકેટ પડવા બદલ ટીમના રનમાંથી બાદબાકી થાય છે.

પ્રકાશ રાઠોડે કહ્યું હતું કે ‘35-પ્લસ કૅટેગરીની જ વાત કરું તો અમારા વર્ગમાં કુલ 10 ટીમ છે એટલે અમે કુલ 9 મૅચ રમીશું. ટોચની ચાર ટીમ એલીટ ડિવિઝનમાં જશે અને પછી નૉકઆઉટ તબક્કો શરૂ થશે. પાંચ-આઠ નંબરની ટીમ પ્લેટ ડિવિઝનમાં રમશે. અમારી (મેન્સ 35-પ્લસ કૅટેગરીની) પ્રથમ મૅચ શુક્રવાર, 27મી સપ્ટેમ્બરે સવારે 10.45 વાગ્યાથી ઇંગ્લૅન્ડ સામે રમાશે. ત્યાર બાદ એ જ દિવસે સાંજે 7.30 વાગ્યાથી અમે યુએઇ સામે રમીશું. ભારતના ત્યાર પછીના મુકાબલા ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા, યુએસએ, ન્યૂ ઝીલૅન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને સિંગાપોર સામે થશે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button