ઇડીની એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહીઃ સંપત્તિ જપ્ત
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) યુટ્યુબર એલ્વિશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની યુપી-હરિયાણામાં આવેલી પ્રોપર્ટી જપ્ત કરી છે. ઇડી પહેલા જ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાના નિવેદનો રેકોર્ડ કરી ચૂકી છે અને બંનેની લાંબી પૂછપરછ પણ કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સીએ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) જિલ્લા પોલીસ દ્વારા એલ્વિશ અને તેની સાથે સંકળાયેલા લોકો સામે નોંધાયેલી એફઆઈઆર અને ચાર્જશીટની નોંધ લીધા બાદ મે મહિનામાં કેસ નોંધવામાં આવ્યો હતો અને પીએમએલએ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.
પાર્ટીઓમાં મનોરંજન માટે સાપના ઝેરના શંકાસ્પદ ઉપયોગની તપાસના સંદર્ભમાં નોઇડા પોલીસે ૧૭ માર્ચે એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. તેના દ્વારા આયોજિત પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ થતો હતો. વિવાદાસ્પદ યુટ્યુબર અને રિયાલિટી શો બિગ બોસ ઓટીટી ટૂના વિજેતા એલ્વિશ યાદવ પર નોઇડા પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ,વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો : એક છીંક આવે ને પેરાસિટામોલ લઈ લો છો…તો આ વાંચી લો
ગત વર્ષે ૩ નવેમ્બરે નોઈડાના સેક્ટર ૪૯ પોલીસ સ્ટેશનમાં પશુ અધિકાર એનજીઓ પીપલ ફોર એનિમલ્સની ફરિયાદ પર નોંધાયેલી એફઆઈઆરમાં ૬ લોકોમાં એલ્વિશ યાદવનું નામ હતું. નવેમ્બરમાં, અન્ય પાંચ આરોપીઓ, જે તમામ મદારી હતા, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સ્થાનિક અદાલત દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા.
ત્રણ નવેમ્બરના રોજ નોઈડાના બેન્ક્વેટ હોલમાંથી ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓના કબજામાંથી પાંચ કોબ્રા સહિત નવ સાપ મળી આવ્યા હતા સાથે ૨૦ મિલી શંકાસ્પદ સાપનું ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
જોકે પોલીસે કહ્યું કે એલ્વિશ યાદવ બેન્ક્વેટ હોલમાં હાજર નહોતો અને તેઓ આ કેસમાં તેની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે. આ વર્ષે એપ્રિલમાં નોઈડા પોલીસે આ કેસમાં ૧,૨૦૦ થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, આરોપોમાં સાપની દાણચોરી, ડ્રગ્સનો ઉપયોગ અને રેવ પાર્ટીઓના આયોજનનો સમાવેશ થાય છે.