કોંગ્રેસે 10 વર્ષમાં પોતાનો સમય ઝઘડામાં વિતાવ્યો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ચંડીગઢ: કોંગ્રેસ તેનો મોટાભાગનો સમય ઝઘડામાં વિતાવે છે અને હરિયાણામાં દરેક બાળક તેનાથી વાકેફ છે, એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે લોકોએ ભાજપને રાજ્યની સેવા કરવા માટે વધુ એક તક આપવાનું નક્કી કરી જ નાખ્યું છે.
નમો એપના માધ્યમથી હરિયાણામાં ભાજપના કાર્યકરો સાથે વાર્તાલાપ કરતાં તેમણે આગામી રાજ્યની ચૂંટણીઓ માટે બૂથ સ્તરે ફિલ્ડવર્કની ચર્ચા કરી અને તેમને ચૂંટણી જીતવા માટે પાર્ટી માટે વ્યૂહરચના ઘડવા પ્રોત્સાહિત કર્યા હતા.
કોંગ્રેસ છેલ્લા 10 વર્ષોમાં વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરતા નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો હતો કે, જૂની પાર્ટીનો મહત્તમ સમય અંદરોઅંદર ઝઘડામાં અને એકબીજા સાથે સ્પર્ધા કરવામાં જાય છે.
વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે હરિયાણામાં દરેક બાળક (કૉંગ્રેસ) પાર્ટીના આંતરિક ડખાઓથી વાકેફ છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં અમારી સામે લડનારાઓનો સંપૂર્ણ આધાર જુઠ્ઠાણાં પર છે. તેઓ વારંવાર જુઠું બોલે છે, તેમની વાતોમાં ધડમાથું હોતું નથી અને તેઓ વાતાવરણને બગાડે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આ દિવસોમાં કોંગ્રેસના લાઉડસ્પીકર જે પહેલા મોટા દાવાઓ કરતા હતા તે નબળા પડી ગયા છે.
કેટલાક કહે છે કે કોંગ્રેસ દરરોજ નબળી પડી રહી છે. છેલ્લાં 10 વર્ષોમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ રહી છે. પાર્ટી 10 વર્ષ સુધી લોકોના મુદ્દાઓથી દૂર રહી… આવા લોકો ક્યારેય હરિયાણાના લોકોનો વિશ્ર્વાસ જીતી શકતા નથી, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં મોટા વચનો આપ્યા હતા, પરંતુ રાજ્યમાં સત્તામાં આવ્યા બાદ વિકાસ અટકી ગયો હતો અને તેઓ પગાર ચૂકવવામાં અસમર્થ બની ગયા હતા.
વડા પ્રધાને ભાજપના કાર્યકરોને કહ્યું હતું કે, હરિયાણામાં કોંગ્રેસના શાસન દરમિયાન દલિતો પર અત્યાચારો થયા હતા. હરિયાણામાં કોંગ્રેસના શાસન દરમિયાન ખેડૂતોને પાકના નુકસાન માટે 2 રૂપિયાના વળતરના ચેક મળ્યા હતા.
ભૂતકાળમાં હરિયાણામાં ભાજપના કાર્યકર તરીકે સેવા આપી હોવાનું યાદ કરતાં મોદીએ કહ્યું હતું કે, મારું સંપૂર્ણપણે માનવું છે કે હરિયાણાના લોકોએ ભાજપને સેવા કરવાની વધુ એક તક આપવાનું નક્કી કર્યું છે. તેઓ ખુશ છે કે 10 વર્ષથી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિના સરકાર ચાલી રહી છે. હરિયાણામાં આવું પહેલીવાર બન્યું છે. યુવાનોને ‘પર્ચી અને ખર્ચી’ (લાગવગ અને લાંચ) વગર નોકરીઓ મળી છે. તેથી, હરિયાણાના લોકો અમારી સાથે છે, તેમના આશીર્વાદ અમારી સાથે છે અને વિજય નિશ્ર્ચિત છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)