દરરોજ આટલા લાખ ભક્તો સરળતાથી મહાકાલના દર્શન કરી શકશે…
ઈન્દોર: આપણા શાસ્ત્રોમાં કહેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ઉજ્જૈન મહાકાલનું મંદિર જ્યાં લાખો ભક્તો રોજ દર્શન કરવા આવે છે. અને રોજે રોજ ભક્તોની સંખ્યમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ મહાકાલ મહાલોક કોરિડોરના ઉદ્ઘાટન બાદ ભક્તોની સંખ્યામાં સતત વધારો થયો છે.
જેના કારણે મહાકાલ મંદિર પ્રશાસનને દરરોજ નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ પડકારોનો સામનો કરવા માટે મહાકાલેશ્વર મંદિર પરિસરમાં એક ખાસ ટનલ બનાવવામાં આવી રહી છે. આ ટનલ દ્વારા દરરોજ લગભગ આઠ લાખ શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન કરી શકશે.
ઉજ્જૈનના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે હાલમાં દરરોજ બે લાખ શ્રદ્ધાળુઓ સરળતાથી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી શકે છે. જો કે તહેવારોમાં ઘણીવાર ભક્તોની સંખ્યા ત્રણ લાખની આસપાસ પહોંચી જાય છે, ત્યારે ભીડને નિયંત્રિત કરવી અમારા માટે એક ટાસ્ક જેવું થઇ જાય છે. તેમણે કહ્યું હતું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુવિધા માટે મહાકાલેશ્વર મંદિરમાં એક ખાસ ટનલ બનાવવામાં આવી હતી. જો આ ટનલના નિર્માણ થઇ જાય તો લગભગ આઠ લાખ શ્રદ્ધાળુઓ દરરોજ સરળતાથી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે 5 ઓક્ટોબરના રોજ શ્રી મહાકાલ મહાલોક કોરિડોર ના બીજા તબક્કા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા કામોનું ઉદ્ઘાટન કરશે. અને આ ઉદ્વઘાટન દ્વારા કદાચ તે પોતાની વોટ બેંકમાં પણ વધારો કરી શકે છે. આ કોરિડોરના કામોની સાથે સાથે નીલકંઠ વિસ્તાર, શક્તિપથ, અન્ના વિસ્તાર, મહારાજવાડા સંકુલ અને છોટા રુદ્રસાગરના વિકાસ કાર્યોનો પણ સમાવેશ થાય છે, અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરિડોર પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ, મહાકાલેશ્વર મંદિર પરિસરમાં એક વિશેષ સ્થાન પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં ઊભા ઊભા જ હજારો ભક્તો આ મંદિરના શિખરનાં દર્શન કરી શકશે.
મહાકાલેશ્વર મંદિર સમિતિના પ્રશાસકે જણાવ્યું હતું કે કોરિડોર પ્રોજેક્ટ હેઠળ આ ધાર્મિક સંકુલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ લગભગ 700 કેમેરા લગાવવામાં આવશે. આ તમામ કેમેરા અત્યાધુનિક કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે, જેના દ્વારા મહાકાલેશ્વર મંદિર અને મહાકાલ મહાલોકનું સતત મોનિટરિંગ અને ભીડ વ્યવસ્થાપન કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર 2022 ના રોજ “શ્રી મહાકાલ મહાલોક” કોરિડોરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.