ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: ટીનએજમાં આપો એકમેકને ઈમોશનલ સપોર્ટ
- શ્વેતા જોષી-અંતાણી
ક્લાસમાં આવતાવેંત સુરભીએ આજે બહુ મોટા મુદ્દા ઉઠાવ્યા વગર ટીનએજ ગર્લ્સના નાના-નાના પ્રશ્નો કે જેમાંથી એમણે ધરાર પસાર થવું પડે છે એ ટોપિક પર વાત કેન્દ્રિત કરી.
એકદમ સામાન્ય ગણાતી એવી વાતો કે જેનાથી તરુણીઓ હેરાન થતી રહે, પણ કોઈ સાથે શેર ના કરી શકે એના પર ફોકસ કરવું સુરભીને વધુ યોગ્ય લાગ્યું.
ટીનએજમાં બેદરકારી નામનો વણજોઈતો ગુણ પણ સાથે આવી ચડતો હોય છે, જેના લીધે ટીનએજર્સની જિંદગીઓમાં નાની-મોટી સમસ્યાઓ સર્જાવા લાગે , પણ તરુણો હોર્મોન્સના પ્રભાવ હેઠળ હોવાથી એની બહુ પરવા કરતા હોતા નથી. ભલે પછી ક્યારેક નુકસાન વેઠવાનો વારો આવી ચડે. ટીનએજના આવેગમય વર્ષો એમને સતત નિષ્ફિકર રહેવામાં વ્યસ્ત રાખે છે. આજે સુરભી પોતાના સ્ટુડન્ટ્સ સાથે એનાં અમુક ઉદાહરણ દ્વારા આ અંગે જ ચર્ચા કરવા માગે છે.
સુરભીની સ્કૂલમાં મોટાભાગે ઉચ્ચ વર્ગીય, ધનાઢ્ય પરિવારોના ફરજંદો ભણવા આવતા. બહારથી સુખી-સંપન્ન લાગતી આ તરુણીઓ પોતાની આંતરિક તકલીફોને સહજતાથી કહી શકવા અસમર્થ છે એવો ખ્યાલ એને વર્ષોથી આવી ચૂકેલો. આ હાઈ-ફાઈ વર્ગ પર આવતું સામાજિક પ્રેશર, ઘર અને કેરિયર વચ્ચે અસંતુલન, જેન્ડર ઈક્વાલિટી, એકસ્ટ્રા મેરિટલ અફેયર, ટીનએજ અને મેનસ્ટ્રુએશનની મથામણ જેવા વિષય એમને સમજાવવા જ રહ્યા એવું એ દ્રઢપણે માનતી સુરભી વાતની શરૂઆત કરે છે બે ટીનએજ બહેનપણીથી નામે સ્વીટી અને ગાર્ગી.
સ્વીટી તરુણાવસ્થા દરમિયાન આવતા હોર્મોન્સના ઘોડાપૂરમાં તણાવા તૈયાર છે, પણ મેન્સ્ટ્રુએશન હજુ આવ્યું નથી એની ચિંતામાં ગરકાવ રહે છે. ગાર્ગી પોતાને વારંવાર ઓપોઝિટ જેન્ડર પ્રત્યે આકર્ષણ કેમ થતું રહે છે એમાં ગૂંચવાયેલી છે. સ્વીટીને કોચિંગ ક્લાસમાં આવતી જાનકીની ભારોભાર ઈર્ષ્યા થાય છે. જાનકીના પેરેન્ટ્સ એને ખૂબ સપોર્ટ કરે, એ હંમેશાં ભણવામાં અવ્વલ રહે એટલે સ્વીટીને એ ખૂંચ્યા રાખે. તો હમણાં નવી સવી બનેલી ગાર્ગીની ફ્રેન્ડ એવી ક્રિષ્ના તો એને દીઠી ના ગમે. સાવ નાના ગામમાંથી હમણાંજ શહેરમાં આવેલી ક્રિષ્ના એને તદ્દન ગામડિયણ લાગ્યા કરે એટલે સ્વીટી એની સામું જુએ પણ નહીં. આ તરફ ક્રિષ્નાના દિવસો એકલતાના અભિશાપથી છલોછલ છે. એને હંમેશાં એની ક્લાસમેટ એવી તન્વીની બળતરા હાય છે. તન્વી ટીનએજને માણતી બિન્દાસ્ત સ્પોર્ટ્સ પર્સન છે, જે સ્કૂલમાં ક્રિકેટની એક્કી ગણાય છે.
આ દરેક તરુણીના જીવનમાં દેખીતો કોઈ પ્રશ્ર્ન છે નહીં. અન્યોની સરખામણીએ એક અથવા બીજી રીતે ખૂબ નસીબદાર ગણાય એવી છે. ક્રિષ્ના પાસે પૈસો છે તો તન્વી પાસે તરવરાટભર્યુ જીવન. જાનકી પાસે સખ્ત સપોર્ટિવ પેરેન્ટ્સ છે ને સ્વીટી-ગાર્ગીને વળી શું તકલીફ હોવાની એવું બધા માને છે….. મોં વકાસતા આટલું બોલી સુરભી અટકી એટલે ક્લાસમાં અમુક છોકરીઓને હસવું આવ્યું.
-પણ ના, આ બધા પાસે પોતપોતાના પ્રાણપ્રશ્ર્નો છે. પાણીનો ઘૂંટડો ગળે ઉતારી સુરભીએ આગળ ચલાવ્યું. જેના જવાબો એમની પાસે છે નથી અથવા જો છે તો અતિ અઘરા છે. ક્રિષ્નાના માતા-પિતા ઘર તરફ તદ્દન બેધ્યાન રહે છે માટે એ અણસમજુ છોકરી સતત એકલતાથી પિડાતી રહે છે.સ્વીટીના ગ્રુપમાં આમ પણ ક્રિષ્ના પર કોઈ ધ્યાન આપતું નથી. મોટા શહેરના પોશ એરિયામાં રહી સેટલ થવાના ક્રિષ્નાના લાખ પ્રયત્નો છતાં આસપાસ કોઈના પણ વાઈબ્સ એની સાથે મેચ નથી થતા. સ્વભાવે જબરી સ્વીટીને સતત એવું લાગે છે કે એની મમ્મી કેરિયર બનાવવામાં વ્યસ્ત છે માટે પોતાની તરફ તદ્દન બેપરવાહ- બેજવાબદાર અને બેકાળજી ધરાવે છે.
સ્વીટીને આસપાસની તમામ ટીનએજર્સ નોર્મલ લાગે છે, માત્ર પોતાની જાત એને સતત એબનોર્મલ લાગ્યા કરે. એમાંય મેન્સ્ટ્રુએશન શરૂ કેમ નથી થયું એની તો વળી એક વધુ ચિંતા સ્વીટીને સતાવી રહી છે. ઘરમાં પેરેન્ટ્સ સામે એ ઘૂરકિયા કર્યા રાખે. તન્વીને સખ્ત ચાહનારા બોયફ્રેન્ડને એ સ્પોર્ટ્સ રમે એ જ પસંદ નથી. પોતાના સ્ટેટની સ્ટાર પરફોર્મર, ભવિષ્યમાં નેશનલ રમવા માટેની પ્રબળ દાવેદાર તન્વી એના માટે એક નમણી, દેખાવડી, સુંદર પ્રેમિકા છે બસ. આ બધામાં સૌથી ઓછી મુશ્કેલીઓમાં હોય તો એ છે ગાર્ગી. એને ના કોઈથી બહુ મુશ્કેલી છે કે ના કોઈ સાથે બહુ પ્રેમ. પણ, હા પ્રેમ કોને કરવો એ અંગે મૂંઝવણ ચોક્કસ છે.
આમ અમુક વખતે તરુણો એકબીજાને અલગ-અલગ રીતે તિરસ્કૃત કરતા રહેતા હોય છે, જેમકે જાનકીના સારા ગ્રેડ્સ સહન ના થતા સ્વીટી અને એના મિત્રો એના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવતા અચકાતા નથી. તન્વીની પોતાના મિત્રો સામે એક સ્પોર્ટ્સવુમન તરીકે ઓળખાણ આપવામાં એનો બોયફ્રેન્ડ સતત અચકાતો રહે છે. આ બધી ટીનએજર યુવતીઓ પોતપોતાને નડતરરૂપ સમસ્યાઓના પહાડો ઓળંગી શકે છે કે નહીં એ જોવા-જાણવાની ઉત્કંઠા હવે ક્લાસમાં સહુને જાગી…. એટલે સુરભીએ વાત અટકાવતા કહ્યું: આવી અનેક તન્વી, જાનકી, ક્રિષ્ના કે સ્વીટી-ગાર્ગી જેવી તરુણીઓ તમારી આસપાસ કે તમારી વચ્ચેજ બેસેલી હોય શકે છે, પણ તમે એને ઓળખી નથી શકતા.
એમની વાતો પરથી તમારે એટલું શીખવાનું છે કે, આ ઉંમરે એકબીજાને સપોર્ટ કરવો. કોઈને ઈમોશનલ ઈજા પહોંચાડવાની ચેષ્ટા કરવા કરતાં જાતને ઈમોશનલી ફિટ રાખવાની કોશિશ કરવી. ઘરમાં તકલીફ હોય તો મિત્રો સાથે ને મિત્રો સાથે સમસ્યા થાય તો ઘરમાં કોઈ સાથે એ વિશે જરૂર વાત કરવી. તન્વીની જેમ અત્યારથી કોઈ સંબંધના દબાણમાં આવી કેરિયર ખરાબ કરવી નહીં ને ગાર્ગી માફક નાહક મૂંઝાવુ નહીં.
આખો ક્લાસ સુરભીને સાંભળી રહેલો, પણ લેક્ચર પૂરો થવાનો બેલ થઈ ચૂક્યો હતો એટલે આ બધી છોકરીઓ કોણ હતી એવું જાણવાની ઉત્કંઠા અધૂરી રહી ગઈ અને સાથોસાથ હોમવર્ક પણ મળી ગયું કે બીજો લેકચર આવે ત્યાં સુધીમાં દરેકે આવી એક ટીનએજ તકલીફ વિશે પ્રોજેક્ટ બનાવવાનો રહેશે….
સહુને સુરભી ફરી ક્યારે આવે ને વાત આગળ વધારે એ જાણવાની જિજ્ઞાસા છે -ભારોભાર ઉત્સુકતા પણ છે.