પત્નીને પત્ર: વિશ્વનો પહેલો પ્રેમપત્ર…. ડિયર હની… તારો બન્ની
કૌશિક મહેતા
પ્રિય હની,
હું તને આ પત્ર લખી રહ્યો છે એનું કારણ એ છે કે, ઘણી વાર આપણે સાથે હોવા છતાં ઘણું બધું એવું હોય છે કે એ વખતે કહી શકાયું નથી હોતું અથવા તો ચુકી જવાતું હોય છે. અને આવી વાતની વોટ્સ એપમાં એટલી મજા આવતી નથી. પત્ર લખવા બેસીએ તો એનો એક અલગ આનંદ હોય છે. હા,એ ય સાચું કે હવે કોઈ પત્ર લખતું નથી. અને એમાં ય પ્રેમપત્ર – લવ લેટર હોય તો વાત આખી બદલાઈ જાય છે.
આજે મારે જરા જુદી વાત કરવી છે. તને ખબર છે? આ દુનિયાનો પહેલો પ્રેમપત્ર કોણે, કોને લખેલો?
રુક્મિણીએ પહેલો પ્રેમપત્ર લખ્યો હતો…! અલબત, એના કોઈ પ્રમાણભૂત પુરાવા નથી. પણ એમ માનવામાં આવે છે કે, રુક્મિણીએ કૃષ્ણને જે પત્ર લખેલો એ દુનિયાનો પહેલો પ્રેમપત્ર હતો.
વાત બહુ મજાની છે. રુક્મિણીનાં લગ્ન શિશુપાલ સાથે નક્કી થાય છે, પણ રુક્મિણીને એ પસંદ નથી એટલે એ કૃષ્ણને પત્ર લખે છે. સંકેત સુદેવ બ્રાહ્મણ સાથે પત્ર કૃષ્ણને મોકલાવે છે. ત્યારે આજ જેવી કોઈ ટેક્નોલોજી તો હતી નહીં. સંદેશાવાહક એ કામ કરતા હતા. અને આ પત્રની રસાળતા..
| Also Read: ઓલિમ્પિક બેડમિન્ટનમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા સાયના નેહવાલ
અહા! સાચું કહું, આવો રસાળ અને ખુમારીભર્યો પ્રેમપત્ર કોઈએ કોઈને લખ્યો નહીં હોય!
આ પત્ર તો પાછો કૃષ્ણને લખાયેલો અને એની પર કોણ ફિદા નહોતું? ગોપીઓ અને રાણીઓ …એની સંખ્યામાં પડવા જેવું નથી.
રુક્મિણી લખે છે : જેની પાસે મારું મસ્તક નમે એવો પતિ જોઈએ. અને એવી અલૌકિક વ્યક્તિ તમે જ છો. થાય તો છે કે,તમારી પાસે નાસીને આવું, પણ તમારા જેવા વીરને એવું પસંદ ના જ પડે. બીજો રસ્તો તો એ છે કે તમે મને આવી લઇ જાવ…., પણ એ રસ્તો પણ તમારા જેવા શૂરવીરને ના શોભે.
હવે એક જ રસ્તો બચે છે અને એ છે કે પશુ જેવા શિશુપાલનો વધ કરો અને મને લઇ જાવ…!
- અને આટલેથી રુક્મિણી અટકતી નથી. શિશુપાલનો વધ કઈ રીતે કરવો એની ટીપ-સંકેત પણ કૃષ્ણને આપે છે. એ લખે છે
‘લગ્ન પહેલા કુળદેવનાં દર્શન કરવા જવાનો રિવાજ છે. ત્યાં તમે આવો અને બધાની વચ્ચેથી મને લઇ જાવ એવું હું ઈચ્છું છું …’
એ તો બહુ જાણીતી વાત છે કે, રુક્મિણીના ભાઈ રુક્મિએ શિશુપાલ સાથે બહેનના વિવાહ નક્કી કર્યા હતા. રુક્મિણીના પત્ર બાદ કૃષ્ણે રુક્મિીને યુદ્ધમાં હરાવ્યો હતો. શિશુપાલનો વધ કર્યો અને રુક્મિણીનું હરણ કરી ગયા હતા અને કૃષ્ણના સૌથી પ્રિય પત્ની રુક્મિણીી હતા.
| Also Read: મેલ મેટર્સઃ પ્રેમ તૂટે – લગ્ન તૂટે કે સંબંધ તૂટેઃ દરેક કિસ્સામાં માત્ર પુરુષ જ જવાબદાર?
કૃષ્ણને રુક્મિણી ‘કમલનયન’ તરીકે નવાજી લખે છે : ‘જો તમારી કૃપા મેળવી ના શકું તો વ્રત ઉપવાસ કરી હું પ્રાણ ત્યાગી દઈશ…’
આમ એક રીતે ધમકી પણ આપે છે. આજથી સદીઓ પહેલા લખાયેલો આ પત્ર છે એ યાદ રાખવા જેવું છે. એ સમયે કોઇ સ્ત્રીમાં આટલી હિંમત હોવી એ નાનીસુની વાત નથી. કદાચ આજે પણ બહુ ઓછી સ્ત્રી આવી હિંમત દાખવી શકે.
સાત શ્ર્લોકમાં આખો પ્રેમપત્ર છે. ભાગવતમાં એનો કોઈ ઉલ્લેખ નથી, પણ મજાની વાત એ પણ છે કે,જે યુવતીનાં લગ્ન થતા ના હોય, વિલંબ થતો હોય એ રુક્મિણીનો આ પત્ર શ્રદ્ધાથી શ્રવણ કરે કે પાઠ કરે તો વિઘ્ન દૂર થાય છે. ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. આવી માન્યતા પણ છે. રુક્મિણી દેવી તરીકે પૂજાય પણ છે. દ્વારકામાં રુક્મિણીનું મંદિર પણ છે. આ મંદિર પણ જોવા જેવું છે. ૧૨મી સદીમાં બધાયેલું આ મંદિર છે.
રુક્મિણી પોતાના પત્રમાં પ્રેમનો ઈઝહાર તો કરે છે સાથે કૃષ્ણને પડકારે પણ છે. અને પોતાનું અને કૃષ્ણનું ગૌરવ જળવાય એ માટે સચેત પણ છે. આ પ્રેમપત્ર લખાયો હતો કે નહિ એની પંચાતમાં કોણ પડે? મને તો આ પ્રેમપત્રનું પોત-હાર્દ બહુ ગમે છે. તને ય ગમશે એની ખાતરી છે.
| Also Read: સ્ટ્રેચ ઈટ મોર
તું ય મને આવો રસીલો, પ્રેમ – પડકારભર્યો પત્ર લખ ને …મને ગમશે. નિયમિત આપણે એકબીજાને પત્ર લખીએ એવું કેમ ના બને?! અને એ પત્રોનો આપણે કરીશું ગમતાનો ગુલાલ …
તારો બન્ની