આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાતમાં જન્મ પ્રમાણપત્રમાં સુધારા માટે પરિપત્ર જાહેર કરાયો, બે નામમાં વચ્ચે ‘ઉર્ફે’ શબ્દ માન્ય

ગાંધીનગરઃ ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે. જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાઈ છે.

બંને પરિપત્રો રદ્દ કરાયા:
આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ)ની સહીથી બુધવારે પ્રસિધ્ધ પરિપત્રમાં તમામ રજિસ્ટ્રારોને 12મી ઓગસ્ટ 2009 અને 18મી ફેબ્રુઆરી 2016 એમ બંને પરિપત્રો રદ કરવા કહેવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર નામ, તારીખ કે અન્ય કોઈ પણ સુધારણા માટે અરજદારોની અરજીને ધ્યાને લેવા સ્પષ્ટ આદેશ થયો છે. આથી, રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વેળા કારકૂની ભૂલી હોય તે તેને પણ સુધારવી પડશે.

આ બાબતો ધ્યાને લેવાની રહેશે:
બુધવારે કરાયેલા નવા પરિપત્રમાં મુખ્ય રજિસ્ટારે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે અરજદારની ઓળખની વિગતો, પિતાનું નામ, છેલ્લું નામ કે અટક અને જન્મતારીખ અથવા કોઈ એક અથવા તેમની કેટલીક બદલાવની માંગ કરી છે કે કેમ? તે બાબતો ધ્યાને લેવાની રહેશે. તેના માટે સર્મથનમાં અપાયેલા ફોટાવાળા ઓળખપત્રો કે ઓળખના અન્ય દસ્તાવેજો ધ્યાનમાં લેવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એક વ્યક્તિના બે નામો હોય કે અન્ય કોઈ સુધારાને તબક્કે તલાટીથી લઈને જિલ્લા રજિસ્ટ્રારના તંત્રમાં નોંધ નામંજૂર કરીને ઉપલાસ્તરે અપીલના આદેશો થતા હતા. હવે આ સુધારાથી અરજદારોને અપીલ અને તેની પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button