વડાપ્રધાન મોદીએ વર્ણવી ‘મેક ઇન ઈન્ડિયા”ની સફળતાની યાત્રા: કહ્યું હવે ભારત વણથંભ્યો દેશ…
નવી દિલ્હી: જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટા ડ્રીમ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તેમાં ‘મેક ઇન ઇન્ડિયા’નું નામ અવશ્ય લેવું પડે. આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગમાં તેમણે મેક ઇન ઇન્ડિયાની સફળતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે તેમના અથાક પ્રયત્નોથી યોજનાની સફળતાને બળ મળ્યું છે, જેના કારણે ભારત વૈશ્વિક આકર્ષણનું તેમજ ઉત્સુકતાનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો : ગુજરાતને મળી શકે છે ત્રણ નવા જિલ્લા: સરકાર લઈ શકે છે મોટો નિર્ણય…
પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું- આ એક સામૂહિક અભિયાન છે અને પ્રકૃતિથી જ અવિરત છે. તે એક સપનું એક શક્તિશાળી આંદોલનમાં ફેરવાઈ ગયું છે. ‘મેક ઇન ઇન્ડિયા’નો પ્રભાવ દર્શાવે છે કે ભારત થોભવાનો નથી. મોદીએ એ વાત પર ખાસ ભાર મૂક્યો કે આજે ભારતની તરફેણમાં ઘણું બધું જઈ રહ્યું છે કારણ કે તેમાં લોકશાહી, વસ્તી અને માંગનું આદર્શ મિશ્રણ છે. તેમણે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ખેલાડી બનવા માટે દેશ પાસે જે જરૂરી છે તે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતને આજે વ્યાપાર માટે વિશ્વસનીય ભાગીદારના સ્વરૂપમાં જોવામાં આવે છે. વૈશ્વિક મહામારી જેવા પડકારોનો સામનો કરવા છતાં, ભારત વિકાસના માર્ગ પર મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આજે, આપણને વૈશ્વિક વિકાસના વાહક તરીકે જોવામાં આવે છે. હું મારા યુવા મિત્રોને મેક ઈન ઈન્ડિયાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આવો અને અમારી સાથે જોડાવા આહ્વાન કરું છું.
તેમણે કહ્યું કે છેલ્લા દાયકાને યાદ કરતાં મને ગર્વ અનુભવાય છે કે 140 કરોડ ભારતીયોની શક્તિ અને કૌશલ્ય આપણને કેટલા આગળ લઈ ગયા છે. મેક ઈન ઈન્ડિયાની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે, જેમાં એવા ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે જ્યાં આપણે પ્રભાવ પાડવાનું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.
મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વધારો:
ઉદાહરણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર દેશમાં ભારતમાં માત્ર બે જ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા, જેની સંખ્યા વધીને આજે 200થી વધુ થઈ ગઈ છે. તેમણે કહ્યું- આપણી મોબાઈલ નિકાસ રૂ. 1,556 કરોડથી વધીને રૂ. 1.2 લાખ કરોડ થઈ ગઈ છે, એટલે કે 7500 ટકાનો આશ્ચર્યજનક વધારો! આજે ભારતમાં વપરાતા 99 ટકા મોબાઈલ ભારતમાં બને છે. અમે વૈશ્વિક સ્તરે બીજા નંબરના સૌથી મોટા મોબાઈલ ઉત્પાદક બની ગયા છીએ.
સ્ટીલ ઉદ્યોગમાં પણ જબરદસ્ત વૃદ્ધિ:
તેમણે કહ્યું સ્ટીલ ઉદ્યોગમાં દેશ ફિનિશ્ડ સ્ટીલનો નિકાસકાર બની ચૂક્યો છે અને 2014 બાદ ઉત્પાદનમાં 50 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે અમારા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરે રૂ. 1.5 લાખ કરોડથી વધુનું રોકાણ આકર્ષ્યું છે, જેમાં પાંચ પ્લાન્ટ મંજૂર થયા છે જેની સંયુક્ત ક્ષમતા પ્રતિદિન 7 કરોડથી વધુ ચિપ્સની હશે.
રિન્યુએબલ એનર્જીમાં ચોથો સૌથી મોટો ઉત્પાદક:
તેમણે જણાવ્યું હતું કે, માત્ર એક દાયકામાં ક્ષમતામાં 400 ટકાની વૃદ્ધિ સાથે દેશ રિન્યુએબલ એનર્જીના વૈશ્વિક સ્તરે ચોથો સૌથી મોટો ઉત્પાદક છે. ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ 2014 માં વ્યવહારીક રીતે અસ્તિત્વમાં ન હતો, જે હવે અબજો યુએસ ડોલરને આંબી ગયો છે. તેમણે કહ્યું કે સંરક્ષણ ઉત્પાદન નિકાસ રૂ. 1,000 કરોડથી વધીને રૂ. 21,000 કરોડ થઈ છે અને 85થી વધુ દેશોમાં પહોંચી ગઈ છે.