પહેલા નોરતે અમદાવાદને મળશે નવી પોલીસ કમિશ્નર કચેરી: ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ
અમદાવાદમાં નવી પોલીસ કમિશ્નરની કચેરીની મુલાકાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. દરમિયાન નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું ઇન્ટ્રોગેશન સેન્ટર રાજ્યમાં પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યું છે જેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આગામી તા.૩જી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. સાથે સાથે નવનિર્મિત આ અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા.
અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં 5907 ચો.મીટર વિસ્તારમાં અંદાજીત રૂ.6.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, 3 ઇન્ટ્રોગેશન રુમ, 3 ઇન્વેસ્ટીગેશન રુમ, કિચન તથા કેન્ટીન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની ૩૦ ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 16 પુરુષ બેરેક અને02 મહિલા બેરેક મળી અંદાજીત 76 વ્યક્તિઓની ક્ષમતા હશે.