જુહુમાં ચોરીની શંકા પરથી બે ભાઇને નિર્વસ્ત્ર કરી વિસ્તારમાં ફેરવ્યા…
મુંબઈ: જુહુના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચોરીની શંકા પરથી બે સગીર ભાઇની મારપીટ કર્યા બાદ તેમને નિર્વસ્ત્ર કરી આખા વિસ્તારમાં ફેરવ્યા હતા.
સોમવારે સવારના આ ઘટના બની હતી, જેનો આરોપીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને તે બાદમાં વાયરલ થયો હતો. 14 અને 17 વર્ષની વયના બંને ભાઇની દાદીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે જુહુ પોલીસે નાયડુનગરમાં રહેનારા સૂરજ પટવા (22)ની ધરપકડ કરી હતી, જ્યારે તેના ત્રણ સાથીદારની શોધ ચલાવાઇ રહી છે.
વીડિયોમાં સૂરજ પટવા અને તેના સાથીદારો બંને સગીરના હાથ-પગ બાંધી તેમની મારપીટ કરતા, તેમને કલાકો સુધી બેસાડી રાખતા અને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપ્યા બાદ તેમને જવા દેતા પહેલા નાયડુનગરમાં તેમની નગ્ન પરેડ કરતા નજરે પડે છે.
નાયડુનગરની બાજુના વિસ્તારમાં દાદી સાથે રહેનારા બંને ભાઇ વિરુદ્ધ ચોરીની ફરિયાદને પગલે પોલીસે ડાયરીમાં નોંધ કરી હતી. બંનેને બાદમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પટવા અને અન્યોએ આ વિસ્તારમાં બંને ભાઇને અગાઉ અનેકવાર ચોરી કરતા પકડી પાડ્યા હતા, પણ તેઓ હોવાથી તેમને છોડી મૂકવામાં આવતા હતા. સોમવારે મળસકે 3થી 9 દરમિયાન બંને ભાઇ નાયડુનગરમાં આવ્યા ત્યારે પટવા તથા અન્યોએ તેમને પકડી પાડ્યા હતા અને તેમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.