(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાત પશ્ર્ચાત્ સોના સહિતની ધાતુના મુખ્ય વપરાશકાર દેશ ચીને સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરતા વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૭૦૦ ડૉલરની સપાટીની ઉપર પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઔંસદીઠ ૩૨ ડૉલરથી સાધારણ નીચે ક્વૉટ થઈ રહ્યા હતા.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી હતી, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૪થી ૪૯૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૨૨નો ઉછાળો આવતા શુદ્ધ સોનાએ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫,૦૦૦ની અને ચાંદીએ કિલોદીઠ રૂ. ૯૦,૦૦૦ની સપાટી પાર કરી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૨૨ વધીને રૂ.
૯૦,૩૨૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૪ વધીને રૂ. ૭૪,૯૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૯૬ વધીને રૂ. ૭૫,૨૬૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજની ઝડપી તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી અત્યંત પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના હાજર ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૬૭૦.૫૨ ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ૨૬૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૨૦ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૩૧.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા હળવી નાણાનીતિ અખત્યાર કરતાં જાહેર કરેલી વ્યાજદરમાં કપાત અને ચીન દ્વારા આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૧૪ મહિનાની નીચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યો હોવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે. જોકે, હાલમાં રોકાણકારોની નજર આવતીકાલના ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય અને શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ છે.
સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા તાજેતરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો રેટ કટ કર્યા બાદ આ વર્ષમાં કુલ ૧૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી ધારણા સિટી બૅન્કના વિશ્ર્લેષકો મૂકી રહ્યા છે, જ્યારે ગોલ્ડમેન સાશના મતાનુસાર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાથી જૂન ૨૦૨૫ સુધીની પ્રત્યેક બેઠકમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે. આમ નીચા વ્યાજદરના સંજોગો, રાજકીય-ભૌગોલિક તણાવ, કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ જળવાઈ રહેતાં સોનામાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહેવાની શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
Also Read –