Mumbai Update: પાંજરાપોળમાં નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભવિષ્યમાં શુદ્ધ પાણી વધતી જરૂરિયાતની ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ હાલમાં રહેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટની બાજુમાં નવા ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભું કરવાની યોજના બનાવી છે. ભિવંડીના પાંજરાપોળ ખાતે ૯૧૦ મિલ્યન લિટર પ્રતિદિન ક્ષમતાનો નવો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટના બાંધકામ સહિતના અન્ય કામ માટે સુધરાઈના પાણીપુરવઠા વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
મુંબઈને પ્રતિદિન ૩,૮૫૦ મિલ્યન લિટર પાણીપુરવઠો વિહાર, તુલસી, તાનસા, મોડક સાગર, મિડલ વૈતરણા, અપર વૈતરણા અને ભાતસા આ સાત જળાશયોમાંથી કરવામાં આવે છે. આ જળાશયોમાંથી વિહાર અને તુલસી તળાવ મુંબઈની હદમાં આવેલા છે. તો બાકીનાં જળાશયો મુંબઈ શહેરથી લગભગ ૧૦૦ કિલોમીટર અને તેનાથી પણ વધુ અંતરે આવેલા છે. જળાશયોમાંથી આવતા પાણીને વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં પ્રક્રિયા કરી તેને શુદ્ધ કર્યા બાદ મુંબઈના ઘર-ઘરમાં નળ મારફત પહોંચાડવામાં આવે છે.
| Aslo Read: ગોવંડીમાં ઓનર કિલિંગ: ચાર આરોપી સામે સગીર નહીં પુખ્ત તરીકે કેસ ચલાવાશે
આ પાણીને જળાશયોથી પાંજરાપોળ અને ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટ સુધી ૨,૪૦૦ મિલિમીટરથી ૩,૦૦૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈન અને ૫,૫૦૦ મિલિમીટર વ્યાસની અંડરગ્રાઉન્ડ કૉંક્રિટની ટનલ મારફત લાવવામાં આવે છે. અહીં પાણી શુદ્ધ કરીને મોટા જળાશયમાં જમા કરીને મુંબઈના ખૂણે-ખૂણે સુધી પહોંચાડવા માટે ઠેર-ઠેર રહેલા સર્વિસ રિઝર્વોયરમાં મોકલવામાં આવે છે.
સુધરાઈ આ ફિલ્ટરેશન પ્લાન્ટની સાથે હવે પાંજરાપોળમાં ૯૧૦ મિલ્યન લિટર પ્રતિદિન ક્ષમતાનો નવા ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવાની છે. આ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અગાઉ ફેબ્રુઆરી,૨૦૨૪માં ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ તેને પ્રતિસાદ મળ્યો નહોતો. હવે ફરી એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
| Also Read: ‘લાઈફલાઈન’ની દુવિધાઃ મુંબઈની લોકલમાં 25 ટકા લોકો ટિકિટ લીધા વિના કરે છે ટ્રાવેલ…
હાલ પાંજરાપોળની પ્રતિદિનની ક્ષમતા ૧,૩૬૫ મિલ્યન લિટર છે. એ સિવાય વધુ એક નાનો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવશે તેને કારણે તેની ક્ષમતા વધશે. તો ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટની ક્ષમતા ૧,૯૧૦ મિલ્યન લિટરની છે.