લંકામાં દિશાનાયકે પ્રમુખ, ભારત માટે નવી પનોતી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારત માટે હમણાં પાડોશીઓની પનોતી બેઠી લાગે છે. બાંગ્લાદેશમાં ભારતતરફી શેખ હસીનાની સરકાર ફરી આવી ત્યારે ભારત હરખાયું હતું પણ થોડા મહિનામાં તો હસીનાની સરકારને ઘરભેગી કરી દેવાઈ અને શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું. શેખ હસીના હમણાં ભારતમાં જ આશ્રય લઈ રહ્યાં છે અને બાંગ્લાદેશમાં નોબલ પ્રાઈઝ વિજેતા મુહમ્મદ યુનુસની સરકાર છે કે જે જરાય ભારતતરફી નથી. બાંગ્લાદેશના હિંદુઓથી માંડીને ભારત સાથેના વેપાર સુધીના બધા મુદ્દે બાંગ્લાદેશમાં કટ્ટરવાદી હાવી થઈ ગયા છે.
બાંગ્લાદેશમાં શું કરવું તેની હોળી પતી નથી ત્યાં હવે શ્રીલંકામાં પણ સામ્યવાદી નેતા અનુરા કુમારા દિશાનાયકે પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા જાહેર થતાં ભારતને ફટકો પડ્યો છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી પછી કોઈ ઉમેદવારને ૫૦ ટકાથી વધુ મત ન મળ્યા હોય બીજા તબક્કાના મતોની ગણતરી કરવી પડે છે. શ્રીલંકાના ઈતિહાસમાં પહેલા કદી એ નોબત નહોતી આવી પણ આ વખતે શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ વખત બીજા તબક્કાના મત પણ ગણવા પડ્યા. બીજા તબક્કાની મત ગણતરી પછી ચૂંટણી પંચે જનતા વિમુક્તિ પેરામુના (ઉંટઙ) ગઠબંધન નેશનલ પીપલ્સ પાવર (ગઙઙ)ના નેતા અનુરા કુમારા દિશાનાયકેને વિજેતા જાહેર કર્યા છે. દિશાનાયકેને લગભગ ૪૨ ટકા લોકપ્રિય મત મળ્યા જ્યારે તેમના નજીકના હરીફ સાજીથ પ્રેમદાસાને માત્ર ૨૩ ટકા મક મળ્યા. વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે માત્ર ૧૬ ટકા મત મેળવીને ત્રીજા સ્થાને આવ્યા છે.
દિશાનાયકે શ્રીલંકાના પ્રમુખ બન્યા એ ભારત માટે બધી રીતે મોંકાણના સમાચાર છે કેમ કે દિશાનાયકે ચીનના માણસ ગણાય છે. ભારત અને શ્રીલંકા નજીકના પાડોશીઓ છે અને શ્રીલંકા ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પાડોશી દેશ છે. ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીન પોતાનું વર્ચસ્વ જમાવવા મથી રહ્યું છે. તેને ખાળવા માટે ભારતે શ્રીલંકા સાથે તેના સંબંધો મજબૂત રાખ્યા હતા પણ દિશાનાયકેની એન્ટ્રીથી ભારતના કર્યાકારવ્યા પર પાણી ફરી વળ્યું છે. ૨૦૨૨માં શ્રીલંકા આર્થિક સંકટમાં ફસાયું પછી ભારતે લગભગ ૪૦૦ કરોડ ડોલરની મદદ શ્રીલંકાને કરી છે.
આ સમયગાળા દરમિયાન લંકાનાં લોકો પાસે ખાવા માટે અનાજ નહોતું. એ વખતે ભારતમાંથી અનાજ મોકલવામાં આવ્યું હતું અને બીજી દરેક જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. શ્રીલંકાની પ્રજા ભારતે કરેલી મદદને યાદ રાખીને ભારતતરફી રાનિલ વિક્ર્મસિંઘેને ફરી તક આપશે એવું લાગતું હતું. આર્થિક સંકટ સામે ઝઝૂમીને શ્રીલંકાને પાટા પર લાવવા માટે ઝઝૂમનારા વિક્રમસિંઘેને ફરી તક મળે તો ભારતને ફાયદો થાય પણ શ્રીલંકાની પ્રજાએ તેના બદલે સામ્યવાદી દિશાનાયકેને સત્તાની કમાન સોંપી દીધી છે.
દિશાનાયકે ભારત વિરોધી છે તેમાં શંકા નથી. શ્રીલંકા સાથે ભારતમાં હિતો ચાર રીતે સંકળાયેલાં છે. પહેલાં દ્વિપક્ષી વ્યાપાર અને આર્થિક સંબંધો. બીજું હિંદ મહાસાગરમાં ચીનના વધતા વર્ચસ્વને રોકીને ભારત સામેના ખતરાને ટાળવો, ત્રીજું તમિલોની સુરક્ષા અને ચોથું કચ્ચાથીવું ટાપુ અંગે ભારતના વલણનો સ્વીકાર કરવો. દિશાનાયકે અને તેમની પાર્ટી ચારેય મુદ્દે ભારત વિરોધી વલણ ધરાવે છે.
દિશાનાયકેના પક્ષે ભારત અને શ્રીલંકા વચ્ચેના વેપાર અંગેના વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (ઈઊઙઅ)નો બહુ પહેલાંથી વિરોધ કર્યો છે. આ કરાર બંને દેશો વચ્ચે વધુ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ છે પણ દિશાનાયકેની પાર્ટી ભારતના બદલે ચીન સાથે આર્થિક સંબંધો વધારે મજબૂત બનાવવાના પક્ષમાં છે. ઈન્દિરા ગાંધીએ કચ્ચાથીવું ટાપુ શ્રીલંકાને સોંપી દીધો હતો પણ ભારતે આ ટાપુ પાછો માગ્યો છે. નરેન્દ્ર મોદીએ ઈન્દિરા ગાંધી પર કાચાથીવુ ટાપુ શ્રીલંકાને આપીને ભારત સાથે દ્રોહ કર્યાનો આક્ષેપ કર્યો હતો. ભારતને હવે આ ટાપુ પાછો જોઈએ છે પણ દિશાનાયકે કચ્ચાથીવુંને મુદ્દે પણ ભારત વિરુદ્ધ વલણ ધરાવે છે.
દિશાનાયકેએ કાચાથીવું ટાપુને ભારતને પરત કરવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કર્યો છે. તેમણે પહેલાં જ સાફ શબ્દોમાં કહી દીધું છે કે, કચ્ચાથીવું ભારતને સોંપવાના પ્રયત્નને કોઈ પણ કિંમતે સફળ થવા દેવાય નહીં. ભારતે આ વર્ષની શરૂઆતમાં ડિસનાયકે અને તેમની પાર્ટી જેવીપીના પ્રતિનિધિમંડળને ‘સત્તાવાર મુલાકાત’ માટે આમંત્રણ આપીને ચર્ચા કરી હતી. દિશાનાયકે વિદેશ સચિવ એસ. જયશંકરને મળ્યા હતા પણ ભારત પ્રત્યેનું તેમનું વલણ નકારાત્મક જ રહ્યું છે.
દિશાનાયકેની જેવીપીએ જાફના સહિતના તમિલોની બહુમતી ધરાવતા તમિલોને સત્તા હસ્તાંતરણનો વિરોધ કર્યો છે. જેવીપી તો ૧૯૮૭માં તત્કાલિન ભારતીય વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકાર દ્વારા કરાયેલી ભારત-શ્રીલંકા સમજૂતીનો પણ વિરોધ કરે છે. જેવીપીએ શ્રીલંકાના બંધારણના ૧૩મા સુધારાનો પણ વિરોધ કર્યો છે. આ સુધારા હેઠળ દેશના તમિલ-પ્રભુત્વ ધરાવતા જાફના સહિતના ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં જમીન મહેસૂલ અને પોલીસ પર વધુ નિયંત્રણ માટે પ્રાંતીય પરિષદોની રચના કરવામાં આવી હતી.
જેવીપી તો ભારતમાંથી આવેલા તમિલ મૂળના લોકો અને સરકારી કર્મચારીઓની પણ વિરૂદ્ધ છે. તેમના મતે, ભારતીય મૂળનો કમિલો ભારતીય વિસ્તરણવાદના સાધન છે ને તેમને શ્રીલંકામાં હાવી ના થવા દેવાય. જેવીપી કોઈ પણ સંજોગોમાં તમિલોને વધારે સત્તા મળે તેવું ઈચ્છતી નથી અને તેમનો સતત વિરોધ કરે છે. આ વિરોધના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં જતા માછીમારો પર પણ તવાઈ આવશે એ નક્કી છે.
બીજી તરફ શ્રીલંકામાં ચીન માટે લાલ જાજમ પથરાશે એ નક્કી છે. અનુરા કુમારા દિશાનાયકે સંપૂર્ણપણે ડાબેરી વિચારધારાથી પ્રભાવિત છે અને તેમનો રાજકીય પાયો માર્ક્સવાદી વિચારસરણી પર આધારિત છે. અનુરા પોતાને બૌદ્ધ રાષ્ટ્રવાદી ગણાવે છે પણ વાસ્તમાં એ ચીનના પીઠ્ઠુ છે. ચીને શ્રીલંકા ફરતે પહેલેથી ભરડો કસેલો જ છે. ચીને શ્રીલંકામાં ભારે રોકાણ કર્યું છે અને શ્રીલંકાની સરકારને ધીરે ધીરે દેવાની જાળમાં ફસાવીને લાચાર કરી નાખ્યું છે. શ્રીલંકા પર ચીનનું એટલું દેવું વધી ગયું છે અને તેને ભરપાઈ કરવું શક્ય નથી.
ચીન શ્રીલંકાને એટલે પૈસા આપી રહ્યું છે કારણ કે શ્રીલંકા વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. આ કારણે ચીન પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે. શ્રીલંકા હિંદ મહાસાગરમાં હોવાથી લંકા પર કબજો થાય તો હિંદ મહાસાગરના વેપાર પર કબજો થાય. ભારત હોય કે ચીન કે પછી બીજા કોઈ દેશ, બધાંનો દુનિયા સાથે આ માર્ગે વેપાર થઈ રહ્યો છે. ચીને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવા હમ્બનટોટા પોર્ટ પર કબજો કર્યો ને હવે આખા શ્રીલંકા પર કબજો કરવાનો તેનો મલિન ઈરાદો છે. દિશાનાયકેના આગમનથી ચીન માટે આ કામ સરળ થશે.