આમચી મુંબઈ

સીએસએમટીથી 10 મહિનાની બાળકીનું અપહરણ: મહિલા સહિત બેની ધરપકડ

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે ટિકિટ કાઉન્ટર સામે માતા સાથે સૂતેલી 10 મહિનાની બાળકીનું અપહરણ કરનારી મહિલા સહિત બે જણને પાંચ કલાકમાં ઝડપી પાડ્યા હતા અને બાળકીનો છુટકારો કરાવ્યો હતો.

ગોવંડીમાં રહેતી સુફિયા મુલ્લા (26) નામની મહિલા સોમવારે રાતે તેના ત્રણ વર્ષના પુત્ર અને 10 મહિનાની પુત્રી સાથે સીએસએમટી મેનલાઇનના ટિકિટ કાઉન્ટરની સામે હૉલમાં સૂતી હતી ત્યારે મધરાતે તેની પુત્રીનું કોઇએ અપહરણ કર્યું હતું. સુફિયા જાગી જતાં તેને પુત્રી મળી આવી નહોતી. પુત્રીની શોધ ચલાવ્યા છતાં કોઇ પત્તો ન લાગતાં તેણે સીએસએમટી રેલવે સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે સ્ટેશન પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં શંકાસ્પદ મહિલા અને તેનો સાથીદાર બાળકીને લઇ પનવેલ જતી ટ્રેન પકડતાં નજરે પડ્યાં હતાં. આ ફૂટેજને આધારે પોલીસે મહિલા અને તેના સાથીદારની શોધ આદરી હતી.
મહિલા તેના સાથીદાર સાથે જે.જે. માર્ગ, નૂર બાગ જંકશન, ભિંડી બજાર જંકશન, મોહંમદ અલી રોડ અને બાદમાં પાયધુની વિસ્તારમાં ગઇ હતી. પાયધુની ખાતેના સીસીટીવી ફૂટેજમાં મહિલા નજરે પડ્યા બાદ પોલીસે પરિસરના લોકો પાસે તપાસ કરી હતી અને બાદમાં મહિલાને તેના સાથીદાર સાથે પકડી પાડીને બાળકીને છોડાવી હતી.

દરમિયાન દેવનારમાં પણ સોમવારે અઢી વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરીને બે ટીમ તૈયાર કરી હતી અને આરોપી અબ્દુલ સમદ હઝરતઅલી શાહને મુંબ્રાથી પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ બાદ બાળકનો ન્યૂ પનવેલથી છુટકારો કરાવાયો હતો. બાળકની માતા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતા અને બાળકની માતાએ સંબંધ તોડી નાખતાં આરોપીએ તેની પુત્રીનું અપહરણ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button