બાંદ્રામાં રોડ રેજ:આઠ રિક્ષાની તોડફોડ, ત્રણ પકડાયા…
મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં રોડ રેજની ઘટનામાં આઠ જેટલી રિક્ષાની તોડફોડ કરવા પ્રકરણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.
ખેરવાડી વિસ્તારમાં સોમવારે સાંજના આ ઘટના બની હતી અને પોલીસ હવે અન્ય બે આરોપીની શોધ ચલાવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર રસ્તા પર બે શખસની કાર એકબીજા સાથે ઘસાઇ હતી, જેને પગલે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
દરમિયાન એક શખસ ત્યાંથી જતો રહ્યો હતો, જ્યારે બીજાએ એ વિસ્તારમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા હતા. થોડા સમય બાદ લોખંડના સળિયા સાથે અમુક લોકો ત્યાં આવ્યા હતા અને તેમણે પાર્ક કરાયેલી આઠ રિક્ષાની તોડફોડ કરી હતી.
આ ઘટના બાદ રિક્ષાચાલકે પોલીસ ક્ધટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો, જેને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
આ પ્રકરણે નોંધાયેલી એફઆઇઆરમાં જણાવાયું હતું કે લોખંડના સળિયા લઇને આવેલા ટોળાએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને સ્થાનિકોને ગાળો ભાંડી હતી.
ઝોન-8ના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) દીક્ષિત ગેડામે જણાવ્યું હતું કે આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરાઇ છે, જ્યારે બાકીના બેની શોધ ચલાવાઇ રહી છે. (પીટીઆઇ)