મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રીનો કોરિડોર અને મેટ્રો તૈયાર, જોઈ લો ફર્સ્ટ લૂક
મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્રની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનની સવારી માટે હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે તાજેતરમાં આ મેટ્રો ટ્રેનનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો હતો. પહેલા તબક્કામાં આરે કોલોનીથી જેવીએલઆર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વચ્ચે આ મેટ્રો શરુ કરવામાં આવશે ત્યારે સૌથી પહેલી વખત મુંબઈ અંડરગ્રાઉન્ટ મેટ્રો ટ્રેનને નજીકથી જોવા મળી હતી. તો ચાલો, જોઈ લઈએ મેટ્રોના સુપર ફીચરથી લઈને સુવિધાની વાતો જાણી લઈએ.
વરસાદ વધુ પડશે તો પણ બંધ પડશે નહીં
છેલ્લા અનેક વર્ષમાં પડેલા સરેરાશ વરસાદને ધ્યાનમાં રાખીને ટનલ તૈયાર કરવામાં આવ્યા છે. ટનલમાં થોડું પણ પાણી આવ્યું તો તેનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવશે. મુશળધાર વરસાદ પડશે તો પણ અંડરગ્રાઉન્ડ મેટ્રો બંધ પડશે નહીં એવું કહેવાઇ રહ્યું છે.
બસ અમુક પરવાનગી મળવાની બાકી
કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (સીએમઆરએસ) દ્વારા મંજૂરી મળે તેના આધારે મેટ્રો-૩નો આરેથી બીકેસી સુધીનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં ખુલ્લો મૂકાશે. જરૂરી બે મંજૂરી પહેલાથી મળી ગઇ છે, જ્યારે રેલ લાઇન માટેની અરજી હજી મંજૂરી માટે પેન્ડિંગ હોવાનું મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)ના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું.
- ૩૩.૫ કિ.મી.: મેટ્રો-૩નો કુલ કોલાબા-સીપ્ઝ-બીકેસી સુધીનો માર્ગ ૩૩.૫ કિ.મી.
- ૨૭ સ્ટેશન: કુલ ૨૭ સ્ટેશનમાંથી આરેથી બીકેસી સુધીના પ્રથમ તબક્કાના માર્ગમાં ૧૦ સ્ટેશન અને તેમાં ટી-૧, ટી-૨ સહિતના મહત્ત્વના સ્ટેશનનો સમાવેશ થાય છે.
- જમીન પર ફક્ત એક સ્ટેશન: મેટ્રો-૩ના તમામ ૨૭ સ્ટેશનમાંથી ફક્ત આરે જેવીએલઆર સ્ટેશન જમીન પર હશે, બાકીના તમામ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે.
- ૧૨.૫ કિ.મી.: પ્રથમ તબક્કાનો ૧૨.૫ કિ.મી.નો આરેથી બીકેસીનો માર્ગ ખુલ્લો મુકાશે.
- ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં પીએમ મોદી કરશે ઉદ્ઘાટન.
- ૯૩ ટકા: પ્રથમ તબક્કાનું કામ ૯૩ ટકા પૂર્ણ.
- મે, ૨૦૨૫: કોલાબાથી આરે સુધીનો સંપૂર્ણ માર્ગ મે, ૨૦૨૫ સુધી શરૂ થવાની શક્યતા.
- ૯૬ સર્વિસ: આરેથી બીકેસી સુધી આઠ મેટ્રો ટ્રેન દ્વારા રોજની સવારે ૬.૩૦થી રાત્રે ૧૦.૩૦ સુધીની રોજની ૯૬ સર્વિસ. ફક્ત રવિવારે સવારે ૮.૩૦ કલાકથી સેવા થશે શરૂ.
*૧૦ રૂપિયા: લઘુતમ ભાડું ૧૦ રૂપિયા અને મહત્તમ ભાડું પચાસ રૂપિયા. કોલાબા-સીપ્ઝ-આરે સંપૂર્ણ માર્ગ શરૂ થયા બાદ મહત્તમ ભાડું ૭૦ રૂપિયા રહેશે. - સ્પીડ ૮૫ કિમી/પ્રતિ કલાક: આઠ કોચની મેટ્રો ટ્રેનને ૮૫ કિમી/પ્રતિ કલાકની રીતે ડિઝાઇન કરાઇ છે, જ્યારે સરેરાશ સ્પીડ ૩૫ કિમી/પ્રતિ કલાક રહેશે.
- ૬.૫ લાખ પ્રવાસીની ક્ષમતા: પ્રથમ કોરિડોર માટે પ્રતિ દિનની પ્રવાસીઓની સંખ્યા ૬.૫ લાખ.
- ૪૮ કૅપ્ટન: ટ્રેન ઓપરેશન માટે દસ મહિલા સુધી ૪૮ કૅપ્ટન હશે.
- દર છ મિનિટે ટ્રેન: મેટ્રો-૩માં દર બે મિનિટે એક ટ્રેન દોડાવવાની ક્ષમતા છે, પરંતુ હાલમાં પ્રથમ તબક્કામાં દર છ મિનિટે એક ટ્રેન દોડાવવામાં આવશે. બીજા તબક્કામાં બાવીસ ટ્રેન દ્વારા દર ચાર મિનિટે એક ટ્રેન ચલાવવામાં આવશે.
- કોમન મોબિલિટી કાર્ડ: નેશનલ કોમન મોબિલિટી કાર્ડ આ મેટ્રો માટે વાપરી શકાશે. ૩૦ ઓક્ટોબર સુધી નેશનલ કોમન મોબિલિટી કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.