Women’s T20 World Cup પડકારો માટે તૈયાર ટીમ ઇન્ડિયા, હરમનપ્રીતે કહી આ વાત…
મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને લાગે છે કે તેની ટીમે મહિલા ટી20 વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવા માટે સારી તૈયારી કરી છે. મહિલા ટી-20 વર્લ્ડકપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન યુએઇમાં રમાશે. 2009માં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી ભારત 2020માં માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે અને તે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું છે.
ભારતે 2017માં મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ પણ રમી હતી અને ત્યાં પણ રનર્સઅપ રહી હતી. હરમનપ્રીત બંને ટીમનો ભાગ હતી અને તેણે 2020 ટી-20 વર્લ્ડ કપમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટી-20 વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા હરમનપ્રીતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે , “આ શ્રેષ્ઠ ટીમ છે જેની સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ખેલાડીઓ લાંબા સમયથી સાથે રમી રહ્યા છે. અમે છેલ્લી વખત ટાઇટલની ખૂબ નજીક આવ્યા હતા અને સેમિફાઇનલ (2023)માં હારી ગયા હતા.
તેમણે કહ્યું હતું કે અમારી તમામ વિભાગોમાં તૈયારી ખૂબ સારી છે.” જુલાઈના અંતમાં એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામેની હાર બાદ ભારતીય ટીમને રમવાની તક મળી નથી. ટીમે નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે એક તૈયારી શિબિરમાં ભાગ લીધો હતો જ્યાં ખેલાડીઓએ ફિટનેસ અને ફિલ્ડિંગ પર ઘણો સમય વિતાવ્યો હતો. આ એવા ક્ષેત્રો છે જ્યાં ટીમ ભૂતકાળમાં નબળી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય કોચ અમોલ મજુમદાર અને મુખ્ય પસંદગીકાર નીતુ ડેવિડ પણ હાજર હતા.
હરમનપ્રીતે કહ્યું હતું કે અમે એશિયા કપ દરમિયાન સારું ક્રિકેટ રમ્યા હતા, પરંતુ એક દિવસ બધું પ્લાન મુજબ નહોતું થયું. હરમનપ્રીતે તેની લગભગ દોઢ દાયકાની કારકિર્દીમાં ઘણી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે પરંતુ તેણીને લાગે છે કે તે હજુ પણ તેની પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ જેટલી જ ઉત્સાહિત છે. હરમનપ્રીતની ટીમ માટે મુખ્ય પડકાર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો હશે, જેમણે મુશ્કેલ સંજોગોમાં પણ આઈસીસી સ્પર્ધાઓમાં ભારતને હરાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે.
મજમુદારે કહ્યું હતું કે અમે કેટલીક વસ્તુઓ ઓળખી અને અમે આગામી કેમ્પમાં તેના પર કામ કર્યું. અમે સૌપ્રથમ ફિટનેસ અને ફિલ્ડિંગ કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અમે 10 દિવસીય કૌશલ્ય શિબિરનું આયોજન કર્યું. અમે સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ (મુગ્ધા બાવરે) ને પણ બોલાવ્યા હતા. અમારા ટોચના છ બેટ્સમેન શ્રેષ્ઠ છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં અશાંતિના કારણે ટૂર્નામેન્ટ યુએઈમાં યોજવાનો નિર્ણય લેવાયો હતો.