ટોપ ન્યૂઝનેશનલ

ઉજ્જૈનની દુષ્કર્મ પીડિતાના ગુનેગારના ઘર પર ફરી વળશે બુલડોઝર

મધ્યપ્રદેશમાં ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે ઘરે જઇને મદદ માગી રહેલી 15 વર્ષીય દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં લોકોના ભારે આક્રોશ અને ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને પીડિતાને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

આખરે આરોપી રિક્ષાચાલક ભરત સોનીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી અને હવે સમાચાર આવ્યા છે કે આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

દુષ્કર્મ આરોપી હાલ જેલમાં સાત દિવસના રિમાન્ડ પર છે. એવામાં ઉજ્જૈન નગરપાલિકાનું કહેવું છે કે આરોપીનું ઘર સરકારી જમીન પર ઉભુ થયેલું છે અને ઘણા વર્ષોથી આરોપી અને તેના પરિવારજનોએ સરકારી જમીન પર કબજો જમાવ્યો છે. આથી ગેરકાયદે બાંધકામ હોવાને કારણે આરોપીનું ઘર જમીનદોસ્ત કરી નાખવામાં આવશે. જમીન સરકારી હોવાથી તેમને કોઇ નોટિસ આપવાની જરૂર નથી. બુધવારે આ કામગીરી પાર પાડવામાં આવશે તેમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.


આરોપીની તપાસમાં પોલીસે અંદાજે 700 જેટલા સીસીટીવી ફૂટેજ, 30થી35 લોકોની સતત પૂછપરછ હાથ ધરી હતી. 28 સભ્યોની SITનું ગઠન કરી 72 કલાક સુધી કેસની તપાસ કરવામાં આવી અને આરોપીને પકડવામાં આવ્યો. આરોપીએ પણ પોલીસ પુછપરછમાં ગુનો કબૂલી લીધો હતો.


જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી તે મહાકાલ પોલીસ સ્ટેશનના પ્રભારીએ પીડિતાની સારવાર, આગળનું શિક્ષણ તથા લગ્નનો ખર્ચ ઉઠાવવાની વાત કહી છે. પીડિતા હજુ ઇન્દોરની હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button