ઓડિયો ક્લિપ્સ, પ્રમાણપત્ર: મૃત્યુ બાદ પણ મહિલાને બે વર્ષ સુધી જીવતી બતાવી: ફિલ્મી ઢબે રચ્યો કારસો
નવી દિલ્હી: દિલ્હી પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર રાણાની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લાં 12 વર્ષથી તે પીસીઆર યુનિટમાં કામ કરી રહ્યો હતો. દરમીયાન એ અનેકવાર હત્યાં થઇ હોય એવા સ્થળે તપાસ માટે ગયો હતો. તેણે પંચનામા પણ કર્યા હતાં. અને પીસીઆર યુનિટમાં કાર્યરત આ કોસ્ટેબલે તેની જ સહકર્મી હત્યા કરી છે એ કોઇને માનવામાં આવે એવી વાત નથી. પોલીસ કોન્સ્ટેબલ મોનાની હત્યાના ગુનામાં સુરેન્દ્ર તેના જીજાજી રોબિન અને તેના મિત્ર રાજપાલની પોલીસે ધરપકડ કરી છે. સુરેન્દ્રએ ફિલ્મી ઢબે કારસો રચી મૃત મોનાને બે વર્ષ સુધી જીવતી બતાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્ર રાણા 2012માં દિલ્હી પોલીસ યુનિટમાં જોડાયો હતો. જ્યારે 27 વર્ષની મોના 2014મા આ જ પોલીસ યુનિટમાં જોડાઇ હતી. બંને પીસીઆરમાં કામ કરતા હતાં. ત્યાં જ એ બંને મળ્યા હતાં. મોના સુરેન્દ્રને પિતા તુલ્ય માનતી. જ્યારે સુરેન્દ્ર તેને બેટા કહીને બોલાવતો. દરમીયાન મોનાની નિમણૂંક ઉત્તર પ્રદેશ પોલીસ દળમાં ઉપનિરિક્ષક પદે થઇ. ત્યાર બાદ તેણે દિલ્હી પોલીસ દળની નોકરી છોડી હતી. મુખર્જી નગરમાં રહીને તે યુપીએસસીની તૈયારી કરવા લાગી.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રની મોના પર ખરાબ નજર હતી. પરણેલા સુરેન્દ્રએ મોના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ વાતને મોનાએ નકાર આપ્યો હતો. અને તારી હકીકત દુનિયા સામે લાવીશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ 8 સપ્ટેમ્બર 2021ના રોજ સુરેન્દ્ર તેને અલીપુરના ઘરમાં લઇ ગયો. ત્યાં તેણે મોનાની હત્યા કરી હતી. મોનાનો મૃતદેહ જમીનમાં દાટીતેની ઉપર પત્થર મૂકવામાં આવ્યા હતાં.
મોના ગૂમ થઇ હોવાની વાત તેણે મોનાના પરિવારને કહી હતી. સુરેન્દ્ર અનેકવાર મોનાના પરિવારને લઇને પોલીસ સ્ટેશન પણ ગયો હતો. મોના જીવે છે અને સુખરુપ છે એવો કારસો પણ સુરેન્દ્રએ રચ્યો. જેના માટે તેણે એક અન્ય યુવતીની મદદથી મોનાના નામનું કોરોનાની વેક્સીનનું પ્રમાણપત્ર પણ તૈયાર કર્યું. તે મોનાનું બેન્ક એકાઉન્ટ પણ ઓપરેટ કરતો. તેનું સીમકાર્ડ વાપરતો. સુરેન્દ્રએ મોનાના મૃત્યુ બાદ તેના ફોનમાં જે કોલ રેકોર્ડીંગ હતાં તે પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી લીધા. તેનો ઉપયોગ કરીને તેણે મોના જીવતી છે એવું ચિત્ર ઉભુ કર્યુ. મોનાના પિરવારવાળા જ્યારે જ્યારે તેને કોલ કરતાં ત્યારે તે મોનાના કોલ રેકોર્ડીંગ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પરથી વગાડતો. જેને કારણે માતા-પિતા મોનાનો અવાજ સાંભળી શકતા.
સુરેન્દ્રએ તેના જીજાજીને એક બોગસ સિમ કાર્ડ દ્વારા મોનાના પરિવારને વ્હોટ્સઅપ કોલ કરવા કહ્યું. હું ભાગી ગઇ છું અને મારા પ્રેમી સાથે સુખી છું. એવી જાણકારી ફોન દ્વારા પરિવારને આપવામાં આવી રહી હતી. ખાસ વાત તો એ છે કે આ જાણકારી મોના જ આપી રહી હતી. મોનાના કોલ રેકોર્ડીંગ સાથે ચેડા કરીને સુરેન્દ્રએ આ આખી વાર્તા ઘડી હતી. ત્યાર બાદ સુરેન્દ્રએ મોનાના ફોટો કોઇ વેબસાઇટ પરથી એડીટ કરીને મોના સાથે એક યુવકનો ફોટો પણ જોડ્યો હતો. આ રીતે સુરેન્દ્રએ બે વર્ષ સુધી મૃત મોનાને જીવતી બતાવી હતી. આખરે પોલીસે તેનું જુઠ્ઠાણું પકડી પાડ્યું હતું.