બિનસાંપ્રદાયિકતા પર એવું તે શું બોલ્યા તમિલનાડુના રાજ્યપાલ કે ભડકી ગઇ કૉંગ્રેસ અને આવી માગણી કરી દીધી….
નવી દિલ્હીઃ તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ ધર્મનિરપેક્ષતા પર નિવેદન આપીને નવો વિવાદ ઉભો કર્યો છે. રાજ્યપાલે કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ યુરોપનો છે, તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.
કોંગ્રેસે તમિલનાડુના ગવર્નર આરએન રવિની ટિપ્પણી (બિનસાંપ્રદાયિકતા એ યુરોપિયન વિભાવના છે)ને અપમાનજનક અને અસ્વીકાર્ય ગણાવી હતી અને તેમને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરી હતી. જયરામ રમેશે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કરવા માગે છે તે રાજ્યપાલ રવિ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘આ વ્યક્તિએ બંધારણ પર શપથ લીધા છે અને તે હજુ પણ બંધારણીય અધિકારી છે. તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. તેઓ દેશ માટે એક કલંક છે.
નોંધનીય છે કે તિરુવત્તર, કન્યાકુમારીમાં હિન્દુ ધર્મ વિદ્યાપીઠમના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા રવિએ કહ્યું હતું કે આ દેશના લોકો સાથે ઘણી છેતરપિંડી કરવામાં આવી છે, અને તેમાંથી એક એ છે કે દેશમાં બિનસાંપ્રદાયિકતાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે બિનસાંપ્રદાયિકતા એ યુરોપિયન ખ્યાલ છે અને તે ત્યાં જ રહેવો જોઈએ કારણ કે ભારતમાં બિનસાંપ્રદાયિકતાની કોઈ જરૂર નથી. યુરોપમાં ધર્મનિરપેક્ષતા આવી કારણ કે ચર્ચ અને રાજા વચ્ચે લડાઈ હતી અને લાંબા સમયથી ચાલતા આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે આ ખ્યાલ વિકસાવવામાં આવ્યો હતો. ભારત તો ધર્મ કેન્દ્રીત દેશ છે. બિનસાંપ્રદાયિકતા એ યુરોપિયન ખ્યાલ છે અને તેને ત્યાં જ રહેવા દો.
કૉંગ્રેસ, એમકે સ્ટાલિન, ડાબેરી પક્ષો અને ડીએમકેએ રાજ્યપાલની બિનસાંપ્રદાયિકતા પરની ટિપ્પણી માટે તેમની ટીકા કરી છે. રાજ્યપાલના નિવેદનનો વિરોધ વ્યક્ત કરતા ડીએમકેના પ્રવક્તા ટીકેએસ એલાન્ગોવને કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતા એ યુરોપમાં નહીં પણ ભારતમાં સૌથી જરૂરી ખ્યાલ છે. એવું લાગે છે કે રાજ્યપાલે બંધારણનો અભ્યાસ કર્યો નથી. તેઓએ બંધારણ વાંચવું જોઈએ અને જોવું જોઈએ કે તેમાં 22 ભાષાઓ સૂચિબદ્ધ છે. તેમણે કહ્યું કે હિન્દી એક એવી ભાષા છે જે માત્ર અમુક રાજ્યોમાં જ બોલાય છે. બાકીના રાજ્યોમાં અન્ય ભાષાઓ બોલાય છે. ભાજપની સમસ્યા એ છે કે તેઓ ન તો ભારતને જાણે છે, ન તો બંધારણને… તેઓ કશું જ જાણતા નથી. આ જ કારણ છે કે તેઓ પોતાના દમ પર સરકાર પણ નથી બનાવી શક્યા. સીપીઆઈ નેતા ડી રાજાએ પણ રાજ્યપાલના નિવેદનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે હું આરએન રવિના નિવેદનની સખત નિંદા કરું છું. તે બિનસાંપ્રદાયિકતા વિશે શું જાણે છે? તે ભારત વિશે શું જાણે છે? તેઓ રાજ્યપાલ છે. તેમણે બંધારણનું પાલન કરવું જોઈએ.