ચાય પે ખર્ચાઃ ગાંધીનગરમાં પ્રધાનોની ચેમ્બરનું ટી-બિલ કરોડોમાં
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ચાય પે ચર્ચા ઘણો લોકપ્રિય બન્યો હતો. ત્યારે ગુજરાત ભાજપ હજુ પણ ચા પર ચર્ચા કરતું હોય તેમ જણાય છે. જ્યાં રાજ્યના તમામ પ્રધાનો માત્ર બે કે ત્રણ દિવસ માટે હાજર રહે છે અને લોકોને મળે છે તે સચિવાલયમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોની ચેમ્બરમાં ત્રણ વર્ષમાં રૂ. 420 લાખની ચા પીવાઈ ગઈ છે. ઘણા પ્રધાનોની ચેમ્બરમાં ઠંડાપીણા અથવા હળવો નાસ્તો પણ હોય છે. આ આંકડો વિરોધપક્ષના વિધાનસભ્યએ મેળવેલી માહિતી બાદ બહાર આવ્યો છે.
ઓક્ટોબર 2020થી ઓક્ટોબર 2023 સુધીના ત્રણ વર્ષમાં ત્રણ સરકારોના પ્રધાન મંડળના સભ્યો પોતાની ઓફીસે આવતા મુલાકાતીઓની સરભરા પાછળ રૂ. 4.20 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. ઓફિસમાં થતા ખર્ચ અંગે પ્રધાનોને માહિતી ઓછી હોવાની કારણ કે આ બધું અંગત સચિવો કે અન્ય સ્ટાફ સંભાળતા હોય છે, પરંતુ ક્યારેક જો પ્રધાનો પણ થોડી દરકાર કરે અને જરૂરી જણાય ત્યાં કાપ મૂકે તો થોડી કરકસર થઈ શકે.
ગૃહ વિભાગ અને તેના તાબા હેઠળ આવતા જેલ, નશાબંધી જેવા પ્રભાગોથી ઉદ્યોગ, ઉર્જા, કૃર્ષિ એને ખેડૂત કલ્યાણ, પેટ્રો કેમિકલ્સ, નરમદા પાણી પુરવઠા સહિત 14 વિભાગોમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોના મુલાકાતીઓની સરભરા માટે કેટલો ખર્ચ થયો તે એંગેની કોઈ માહિતી જાહેર થઈ નથી.
મહેમાનોની સરભરા ચોક્કસ થવી જોઈએ પણ તેમાં પ્રજાના પૈસાનો બેફામ ઉપયોગ ટાળવો જોઈએ. પ્રધાનો પોતાને દ્વારે આવેલી જાહેરજનતાના પ્રશ્નોને સાંભળે અને તેનો ઉકેલ લાવે તે વધારે જરૂરી છે.