બેંગલુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(CM Siddaramaiah)ને કર્ણાટક હાઈ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કથિત MUDA જમીન કૌભાંડ કેસ (MUDA Land scam)માં સિદ્ધારમૈયાની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી છે. હાઈ કોર્ટ કહ્યું કે કે જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.
રાજ્યપાલના આદેશને પડકારતી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની અરજી પર કર્ણાટક હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) સાઇટ એલોટમેન્ટ કેસમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસની મંજૂરી આપી હતી. રાજ્યપાલ તરફથી આ મંજૂરી મળ્યા બાદ સિદ્ધારમૈયા વતી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે જ સિંગલ જજની બંધારણીય બેંચના નિર્ણય સામે ડબલ બેન્ચ સમક્ષ અપીલ કરવામાં આવી શકે છે. આ અરજીની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સુનાવણી પર સ્ટે મુકવા માટે લોક પ્રતિનિધિ કોર્ટમાં અપીલ કરી કરવામાં આવી શકે છે. જો ડબલ બેન્ચ સુનાવણી માટે અરજી સ્વીકારે તો સિદ્ધારમૈયાને રાહત મળશે.
આક્ષેપ છે કે MUDA એ વરુણા અને શ્રીરંગપટના મતવિસ્તારમાં ₹387 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું અમલીકરણ કર્યું હતું, જેનું પ્રતિનિધિત્વ મુખ્ય પ્રધાન પોતે કરે છે.
સિદ્ધારમૈયાએ શું કહ્યું?
તેમની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધા પછી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ મૂક્યો હતો. એક નિવેદનમાં, સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ ભાજપ અને જનતા દળ (સેક્યુલર) ની “બદલાની રાજનીતિ” સામે સંઘર્ષ ચાલુ રાખશે.
તેમણે કહ્યું “હું તપાસ કરવામાં નહીં અચકાઉં. હું નિષ્ણાતો સાથે સલાહ લઈશ કે કાયદા હેઠળ આવી તપાસની મંજૂરી છે કે નહીં. હું કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા કરીશ અને લડતની રૂપરેખા નક્કી કરીશ.”
તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર રાજભવનનો દુરુપયોગ કરીને વિપક્ષ શાસિત રાજ્યોમાં સરકારોને સજા આપવાનું ષડયંત્ર રચી રહ્યું છે. તેમણે કહ્યું કે “મુડા કેસ માત્ર એક કાવતરું છે. ભાજપ અને જેડીએસનો મુખ્ય ઉદ્દેશ્ય અમારી સરકારની યોજનાઓને રોકવાનો છે જે ગરીબો અને પીડિતો માટે છે.”