ડૉલર સામે રૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૨૦૪નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યા બાદ હવે રેટ કટની ગતિ ધીમી પાડવામાં આવે તેવી શક્યતા ઉપરાંત અમેરિકા સહિત અન્ય મુખ્ય દેશોનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ વધી આવ્યા હતા. આમ આજે વૈશ્ર્વિક બજારના મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૩થી ૨૦૪નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૧૨ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૧૨ વધીને રૂ. ૮૮,૦૬૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ મર્યાદિત રહી હોવા છતાં રૂપિયો નબળો પડવાથી આયાત પડતરો વધી આવતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૩ વધીને રૂ. ૭૪,૩૭૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૪ વધીને રૂ. ૭૪,૬૭૧ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૨૭.૩૨ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૩ ટકા ઘટીને ૨૬૫૧.૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૩૦.૮૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
| Also Read: Gold Silver Price : ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો વધારો, સોનાના ભાવમાં પણ તેજી
એકંદરે રોકાણકારોની નજર આગામી ગુરુવારના ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્ત્વ્ય અને શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા ઉપર તેમ જ સપ્તાહ દરમિયાન અન્ય અધિકારીઓની ટિપ્પણીઓ પર સ્થિર થઈ હોવાથી આજે ઊંચા મથાળેથી સાવચેતીનું વલણ જોવા મળ્યું છે. જોકે, ફેડરલના ઘણાં અધિકારીઓનું માનવું છે કે હાલના ૫૦ બેસિસ પૉઈન્ટના રેટ કટથી બૅન્કોને ટેકો આપવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં રેટ કટની ગતિ ધીમી પાડવામાં આવે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, સિટી બૅન્કના વિશ્ર્લેષકનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં કુલ ૧૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે.