‘ટાઈગર ઝિંદા હૈ’ના ડિરેક્ટર પર કરોડોની ઉચાપતનો આરોપ
આ વર્ષે અક્ષય કુમારની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. 350 કરોડમાં બનેલી આ ફિલ્મ માંડ 100 કરોડની કમાણી કરી શકી હતી. આ ફિલ્મની નિષ્ફળતાને કારણે નિર્માતાઓને ભારે નુકસાન થયું હતું. આ પછી વાશુ ભગનાની અને પૂજા એન્ટરટેઈનમેન્ટને લઈને અનેક પ્રકારના સમાચાર આવવા લાગ્યા હતા. તે સમયે મેકર્સે બધું બરાબર હોવાનું કહીને મામલો ચૂપ કરી દીધો હતો, પરંતુ હવે ‘બડે મિયાં છોટે મિયાં’ (BMCM)ના નિર્માતા વાશુ અને જેકી ભગનાનીની પૂજા એન્ટરટેઇનમેન્ટ અને નિર્દેશક અલી અબ્બાસ ઝફર વચ્ચેનો અણબનાવ જોર પકડતો જાય છે. બંને વચ્ચે પૈસાનો વિવાદ એટલો વધી ગયો છે કે બંને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.
અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે વાશુએ BMCMના ક્રૂ મેમ્બરોને પૈસા ચૂકવ્યા ન હતા. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પૈસા ન મળવાના કારણે વાશુ ભગનાની સામે ફરિયાદ નોંધાવી છે. હવે એનઆરઆઈ પ્રોડ્યુસર્સ વાશુ અને જેકી ભગનાનીએ પણ અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટના માલિકો વાશુ અને જેકી ભગનાનીએ 3 સપ્ટેમ્બરે અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ ફંડની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાવી હતી, જેની વિગતો હવે જાહેર થઇ છે. તેમણે ઝફર સામે છેતરપિંડી, ચોરી, બ્લેકમેઈલિંગ, ખંડણી, મની લોન્ડરિંગ અને છેતરપિંડીનો અને ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ દરમિયાન અબુ ધાબી સત્તાવાળાઓ પાસેથી મળેલી સબસિડી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે અને આક્ષેપ કર્યો છે કે દિગ્દર્શક ઝફર પોતાને સાચો સાબિત કરવા માટે ખોટી ખોટી અફવાઓ ફેલાવી રહ્યો છે. એવા પણ અહેવાલો છે કે કથિત કેસમાં બાંદ્રા પોલીસ ગમે ત્યારે અલી અબ્બાસ ઝફરની પૂછપરછ કરી શકે છે.
અલીએ વાશુ વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. તેણે 7 કરોડ 35 લાખ રૂપિયા ન ચૂકવવા બદલ પૂજા એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ ડિરેક્ટર એસોસિએશનમાં ફરિયાદ કરી છે.
નોંધનીય છે કે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને દર્શકો અને વિવેચકો બંનેએ રિજેક્ટ કરી હતી. ફિલ્મ તેનું બજેટ પણ રિકવર કરી શકી નહોતી. અલી અબ્બાસ ઝફરની વાત કરીએ તો તેણે યશરાજ ફિલ્મ્સની ‘ટાઈગર ઝિંદા હૈ’નું ડિરેક્શન કર્યું હતું. યશરાજ ફિલ્મ્સથી અલગ થયા બાદ તેણે કોઈ સફળ ફિલ્મ આપી નથી.