આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુર જાતીય શોષણ કેસના આરોપી અક્ષયના એન્કાઉન્ટર પર રાઉતે સવાલ ઉઠાવ્યા

મુંબઇઃ બદલાપુર યૌન શોષણ કેસના આરોપી અક્ષય શિંદેનું સોમવારે મુંબ્રા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. અક્ષયે પોલીસ પાસેથી બંદૂક છીનવી અને પોલીસકર્મીને ગોળી મારી દીધી. ત્યારબાદ પોલીસ દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો જેમાં અક્ષયનું મૃત્યુ થયું હતું. આ મામલે વિપક્ષ હવે પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી રહ્યો છે. શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આ મામલે શંકા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે અક્ષય શિંદેને પોલીસ લઈ જઈ રહી છે ત્યારે તેના હાથ બાંધવામાં આવેલા છે અને ચહેરા પર બુરખો છે.

રાઉતે સવાલ ઉઠાવ્યો છે કે હાથકડી પહેરેલો અક્ષય શિંદે પોલીસ કર્મચારીના બેલ્ટ હોલ્સ્ટરમાંથી રિવોલ્વર કેવી રીતે છીનવી શકે અને ફાયરિંગ કરી શકે. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ કોઈને બચાવવા માટે આવી થિયરી જણાવી રહ્યા છે. મહારાષ્ટ્રના લોકોને સત્ય જાણવાનો હક છે. તેમણે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે.

મહા વિકાસ આઘાડીના નેતાઓએ પોલીસની તૈયારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોંગ્રેસે આ મામલે ન્યાયી તપાસની માંગ કરી છે જ્યારે ઉદ્ધવ સેનાએ સીબીઆઇ તપાસની માંગ કરી છે કોંગ્રેસે કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે આવું શક્ય જ નથી અને સવાલ કર્યો હતો કે શું આપણે બનાના રિપબ્લિક બની ગયા છીએ?

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જાણવા માંગ્યું હતું કે આ મામલે સ્કૂલના બે ટ્રસ્ટીઓની હજુ સુધી શા માટે ધરપકડ કરવામાં આવી નથી. તેમને બચાવવા માટે મુખ્ય આરોપીનો એન્કાઉન્ટર કરીને કેસ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવો આરોપ તેમણે કર્યો હતો.

‘બદલાપુર યૌન શોષણ કેસમાં એક તરફ સંસ્થાના ડિરેક્ટરો ભાજપ સાથે જોડાયેલા હોવા પર તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો બીજી તરફ આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર ખૂબ જ આઘાતજનક અને શંકાસ્પદ લાગી રહ્યું છે. શરૂઆતથી જ બદલાપુર કેસમાં પોલીસ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી,’ એમ વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

જોકે, મુખ્યપ્રધાન શિંદેએ આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે, “આ જ વિપક્ષ આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યો હતો. ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તેમની પાસે કોઈ મુદ્દો નથી.” તેમણે જણાવ્યું હતું કે, “મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાએ તેમને નિરાશ કરી નાખ્યા છે. તેથી જ તેઓ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button