તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

વીમા સુરક્ષાકવચ: મેડિક્લેમ કે હેલ્થ ઈન્સ્યોરન્સ… શું છે તમારી પાસે?

•⁠ ⁠નિશા સંઘવી

આજે આપણે રોજિંદી અતિ વ્યસ્ત જિંદગીમાં ક્યારેક જાણતાં -અજાણતાં આપણા આરોગ્યની સંભાળ લેવાનું ચૂકી જઈએ છીએ. આમ છતાં, આપણે બધા જ દ્રઢ રીતે માનીએ છીએ -જાણીએ છીએ કે આવી ચૂક -લાપરવાહી અચાનક ત્રાટકતી બીમારી વખતે કેટલી બધી નુકસાનકારક પુરવાર થઈ શકે છે. આવી આફત વખતે આપણી ફરતે વીમાનું સુરક્ષાચક્ર હોવું અત્યંત જરૂ રી છે.

આવે વખતે આપણી પાસે શું હોવું જરૂરી છે ?

મેડિક્લેમ કે આરોગ્ય વીમો ?

હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિક્લેમ વચ્ચે મુખ્ય શું તફાવત છે એ સૌથી પહેલાં જાણી લેવું જરૂરી છે.

આરોગ્ય વીમો એ એક વ્યાપક પ્રકારનો વીમો છે, જે હોસ્પિટલમાં દાખલ થવા, બહારના દર્દીઓની
સારવાર (OPD Treatment), ડાયગ્નોસ્ટિક પરીક્ષણો અને કેટલીકવાર નિવારક સંભાળ સહિત
તબીબી ખર્ચની વિશાળ શ્રેણીને આવરી લે છે. સ્વાસ્થ્ય વીમા પૉલિસીમાં સામાન્ય રીતે ઉચ્ચ કવરેજની
મર્યાદા હોય છે અને તે મેડિકલ બિલનો મોટા ભાગ ભરપાઈ કરી શકે છે.

બીજી બાજુ, મેડિક્લેમ એ વધુ ચોક્કસ પ્રકારનો વીમો છે , જે મુખ્યત્વે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ અને સંબંધિત તબીબી ખર્ચાઓને આવરી લે છે.

વ્યાપક આરોગ્ય વીમા યોજનાઓની તુલનામાં મેડિક્લેમ પૉલિસી ઓછા કવરેજની મર્યાદા ધરાવે છે.

આમ આરોગ્ય વીમો અને મેડિક્લેમમાંથી પસંદ શું કરવું ? એવો પ્રશ્ર્ન જાગે. આમાં વ્યક્તિગત પસંદગી, નાણાંકીય અવરોધ અને આવશ્યક આરોગ્યસંભાળ કવરેજના સ્તર પર એ આધારિત છે.

હવે આપણે મેડિક્લેમ અને હેલ્થ ઈન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત લીધો પછી આવો, વીમાની રકમ પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાનાં કેટલાંક પરિબળ પર ચર્ચા કરીએ.

જ્યારે કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય વીમો ખરીદે છે ત્યારે વ્યક્તિએ યોગ્ય વીમાની રકમ પસંદ કરવી જોઈએ. આદર્શ વીમાની રકમની ગણતરી કરવા માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા નથી માટે કેટલાંક પરિબળના આધારે રક્ષણનું શ્રેષ્ઠ સ્તર નક્કી કરવું જોઈએ.

અહીં એવાં છ પરિબળ દર્શાવ્યાં છે,જે વ્યક્તિની સ્વાસ્થ્ય વીમા પોલિસી માટે વીમાની રકમ પસંદ કરવામાં મદદરૂપ થશે, જેમકે…

૧) ઉંમર:
દરેકે યુવાવસ્થામાં યોગ્ય રકમનો આરોગ્ય વીમો લઈ લેવો જોઈએ. નાની ઉંમરે વીમાનું પ્રીમિયમ ઓછું લાગે છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે ૨૦ વર્ષના દાયકામાં પ્રવેશેલી વ્યક્તિ માટે શરૂઆતમાં ૫ થી ૭ લાખ રૂપિયાની વીમાની રકમ પૂરતી છે. જોકે, પૉલિસી રિન્યુઅલના સમયે વ્યક્તિની જરૂરિયાત મુજબ વીમાની રકમ વધારી શકાય છે.

૨) વસવાટનું શહેર:
વીમા કંપનીઓ દરેક શહેરના જીવનધોરણના આધારે પ્રીમિયમની રકમ નક્કી કરતી હોય છે. આથી તમે જે શહેરમાં વસતા હો એના આધારે પ્રીમિયમ અને તેને પગલે વીમાની પરવડનારી રકમ નક્કી થાય.

૩) વ્યક્તિગત કે કુટુંબ ફ્લોટર:
વ્યક્તિગત પૉલિસી હોય તો ઓછી વીમા રકમ સારી રીતે કામ કરે છે, પરંતુ જો તે જ પૉલિસીમાં કુટુંબના સભ્યોને આવરી લેવાયા હોય તો વધુ વીમાની જરૂર પડશે, કારણ કે વધુ સભ્યોને વધુ કવરેજની જરૂર પડશે.

૪) તબીબી ફુગાવો:
તબીબી સારવારનો ખર્ચ હંમેશાં વધતો રહે છે. છેલ્લામાં છેલ્લા અહેવાલ મુજબ આરોગ્યને લગતી પ્રોડક્ટ્સનો ફુગાવાનો દર આશરે ૧૦ ટકા છે. આજે જેટલો ખર્ચ આવતો હોય એ અમુક વર્ષોમાં બમણો થઈ જાય છે.

આથી સમ ઇન્સ્યૉર્ડ નક્કી કરતી વખતે ફુગાવાનો અંદાજ રાખીને ચાલવું.

૫) જીવનશૈલી:
દરેકે પોતાની જીવનશૈલીના આધારે વીમાની રકમ પસંદ કરવી જોઈએ. જે વ્યક્તિ વધુ પડતી માનસિક તાણ ધરાવતી હોય અને ભાગ્યે જ વ્યાયામ કરવાની તક મળતી હોય ઉપરાંત આરોગ્યપ્રદ ભોજન લેતી ન હોય એ વ્યક્તિએ ઊંચી રકમનો વીમો લેવો. આ વાત તમાકુ અથવા દારૂનું સેવન કરનારને ખાસ લાગુ પડે છે. ઉપરાંત, પૉલિસી ખરીદતી વખતે કંપનીથી આવી આદત ક્યારેય છુપાવવી નહીં, કારણ કે એમ કરવા જતાં ક્લેમ પાસ થવામાં મુશ્કેલી ઊભી થાય છે.

૬) કોર્પોરેટ કવર:
ઘણા પગારદારો એમ વિચારે છે કે જો કંપની પાસેથી કોર્પોરેટ પ્લાન હેઠળ વીમો મળ્યો હોય તો પછી સ્વતંત્ર રીતે પૉલિસી લેવાની શું જરૂર છે?

અહીં એક વાત યાદ રાખો કે કોર્પોરેટ કવર માત્ર ત્યાં સુધી જ લાગુ રહે છે, જ્યાં સુધી તમારી જોબ ચાલુ હોય… કોર્પોરેટ પ્લાન ગ્રુપ પ્લાનની શ્રેણીમાં આવે છે અને તેના નિયમો અને શરતો દરેક કંપનીમાં અલગ અલગ હોય છે. વ્યક્તિની તંદુરસ્તી હંમેશાં સરખી રહેતી નથી. વધતી આયુ તથા જીવનશૈલીને કારણે આરોગ્યની અનેક સમસ્યા સર્જાય છે. આથી કોર્પોરેટ પ્લાનની સાથે સાથે દરેક વ્યક્તિએ પોતાની તથા પરિવારની અલગ પૉલિસી લેવી જ જોઈએ.

ટૂંકમાં કહીએ તો આપણે બધા એક્મેકથી જુદા છીએ અને તેથી આપણી આરોગ્ય વીમાની જરૂરિયાતો પણ અલગ રહેવાની તેથી જ વ્યક્તિએ વીમાની રકમ કાળજીપૂર્વક પસંદ કરવાની જરૂર છે. ઉપરોકત મુદ્દા ધ્યાનમાં રાખશો તો તમે જરૂર યોગ્ય સમ ઇન્સ્યોર્ડ નક્કી કરી શકશો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…