આરોગ્ય એક્સપ્રેસ : આપણી કહેવતોમાં પણ છે આરોગ્યની ચાવી
-રાજેશ યાજ્ઞિક
આપણા પૂર્વજો -વડીલો એમના જમાનામાં ભણ્યા ઓછું હતા, પણ વિભિન્ન ક્ષેત્રમાં એમના અનુભવોને લીધે એમની હૈયાસૂઝ જબરી ખીલી હતી એટલે એમનું આરોગ્યલક્ષે જ્ઞાન કહેવતરૂપે પ્રગટતું, જેમકે ‘આંખે ત્રિફળા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ…’ જેવી કહેવત એનું એક ઉત્તમ દૃષ્ટાંત છે.
ચાલો, એને તબક્કાવાર સમજીએ. આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આંખનું મહત્ત્વ ખૂબ વધુ છે, કારણકે આંખ અને મગજના સંયોજનથી શારીરિક હિલચાલ ઉત્તમ પ્રકારે થાય છે તેથી જ દૃષ્ટિહીન લોકોને શારીરિક હલનચલનમાં ઘણી તક લીફો સહન કરવી પડે છે. આપણે નસીબદાર છીએ કે આપણી આંખો સલામત છે.
એ જ રીતે, દાંત વિના ખોરાક ખાવો અને પચાવવો એ કેટલું અઘરું છે તે તો જેમને દાંત ચાલ્યા ગયા હોય તેવા વડીલોને જ ખબર પડે. જોકે, પેટનું આરોગ્ય એટલું મહત્ત્વનું છે કે આયુર્વેદમાં તો કહેવાય છે કે મોટાભાગના રોગનું ઘર પેટ જ છે.
હરડે- બહેડાં અને આમળાં એ ત્રણેય ફળને ત્રિફળા કહેવામાં આવે છે. તેની સમભાગ છાલનું ચૂર્ણ મેળવવાથી ત્રિફળા બને છે. આમ ત્રિફળા અનેક રોગમાં ઉપયોગી હોવા છતાં આંખો માટેનું તે સર્વોત્તમ ઔષધ છે. આંખોને સ્વસ્થ અને તેજ રાખવા માટે ત્રિફળા એ ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપચાર છે.
ઉદાહરણરૂપે, ૧ ચમચી ત્રિફળા પાઉડરને હૂંફાળા પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પલાળેલા મિશ્રણથી તમારી આંખો ચોખ્ખી કરી દો. નિયમિત આ પ્રયોગ કરવાથી આંખોનું તેજ જળવાઈ રહે છે. આંખોનું જતન કરવા કે આંખોના રોગ મટાડવા રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ લેવું તે ખૂબ ઉપકારક છે.
ત્રિફલા ધૃત જેવું મહાન ઔષધ જાણકાર વૈદ્ય પાસેથી લીધું હોય તો આંખોના ચશ્માં, તિમિરરોગ, આંખોની લાલાશ, આંખોની બળતરા વગેરે ૭૬ જાતના નેત્ર રોગ પર વિજય મેળવી શકાય છે.
‘દાંતે લૂણ …’ એટલે કે દાંતે લવણ (સિંધવ) લગાડવાથી, તેના કોગળા ભરવાથી કે તલતેલમાં મેળવીને કોગળા ભરવાથી આજીવન દંતરક્ષા થાય છે. સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રોક સોલ્ટ (ખડક મીઠું), હિન્દીમાં સેંધા નમક અથવા લાહોરી નમક કહે છે. તે દાંત, દાંતના મૂળ, પેઢાંને મજબૂત કરવાં, મોંની ચામડીનું સ્વાસ્થ્ય જાળવવું અને વિવિધ ચેપને દૂર કરવા કે તેના નિવારણમાં ઉપયોગી છે.
મીઠું ખાવાથી હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આ માટે ડૉક્ટર પણ મીઠું કોઇ પણ વસ્તુમાં ઓછું ઉમેરવા કહે છે. મીઠાનું વધુ પડતું સેવન હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે.
બીજી તરફ, સિંધવ મીઠું સંપૂર્ણ રીતે નેચરલ હોય છે. તમે સિંધવ મીઠાનું પાણી પીઓ છો તો ૧૦ ગંભીર બીમારીમાંથી તમને છુટકારો મળી શકે છે.
સિંધવના ફાયદા ગણાવીએ તો એ પાચન તંત્રને લગત તકલીફ દૂર કરે છે-મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ થાય છે- ફેફસાં મજબૂત બનાવે-પીએચ લેવલ સંતુલિત રાખે- ત્વચાને તાજગી આપે- હાડકાં મજબૂત બનાવે અને શરીરમાં પાણીની ઊણપ -ડિહાઇડ્રેશનની તકલીફ દૂર કરે છે…
તમને સાંધાનો દુ:ખાવો રહે છે તો તમે શક્ય તેટલું સિંધવ મીઠું ઉપયોગમાં લો. તેનાથી તમારા સાંધાના દર્દમાં પણ તમને રાહત મળશે.
હવે પેલી કહેવતમાં રહેલી ‘પેટ ન ભરવું ચારે ખૂણ…’વાળી વાત પર આવીએ…
જઠર કે આમાશય આપણી બંધ કરેલી મુઠ્ઠી જેટલું છે. ઓછું ખાવાથી અશક્તિ નથી આવતી. અપોષણ પણ નથી ઊભું થતું. પચાસ ગ્રામ રાઇસ કરતાં એક ચમચો સીઝેલા ભાતમાં ઘી નાખી લેતાં વધુ પોષણ મળશે, પરંતુ પેટ જાણે કચરો ઠાલવવાની જગ્યા હોય તેમ એમ તેમાં ગમે તે પ્રકારનો ખોરાક ઓર્યા કરો અને પેટ સખત થઇ જાય એટલું જ ખાધા કરો તો પેટને લગતા ઘણા દર્દ થવાની શક્યતા ઊભી થાય છે. તેથી જ આયુર્વેદમાં અનશન એટલે કે ઉપવાસ અને ઉણોદરી એટલે કે ઓછું ખાવાની પરેજી પાળવા માટે સલાહ આપવામાં આવી છે. વધારે પડતું ખાવાથી અપચો, ચરબીમાં વધારો ઉપરાંત પાચનજન્ય અન્ય ઘણી બીમારી થવાની સંભાવના રહેલી છે તેથી જ ભૂખ લાગે ત્યારે જ ખાવું તેવી સલાહ પણ આરોગ્યશાસ્ત્રી આપે છે.