USની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન મોદી દિલ્હી માટે રવાના થયા, આ બેઠકોમાં લીધો ભાગ
ન્યુયોર્ક: યુએસની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કાર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in USA) દિલ્હી માટે રવાના થયા છે. મુલાકાત દરમિયાન વડા પ્રધાને ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ અને ક્વોડ લીડર્સની સમિટ ઓન ધ ફ્યુચર (SOTF)માં ભાગ લીધો હતો. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વની દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.
વડા પ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ઝેલેન્સકીએ શાંતિના પ્રયાસો માટે ભારતનો આભાર માન્યો.
વડા પ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની એક મહિનામાં આ બીજી મુલાકાત હતી. વડા પ્રધાન મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો.
સોમવારે યોજાયેલી બેઠકની શરૂઆત ઝેલેન્સકી દ્વારા કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન વડા પ્રધાન મોદીએ ઝેલેન્સકીને કહ્યું કે યુદ્ધ બાબતે ઘણા દેશોના નેતાઓ સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે યુદ્ધ સમાપ્ત થવું જોઈએ. સોમવારે બંને નેતાઓ વચ્ચે ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડા પ્રધાન મોદી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પુતિન અને બાઈડેન સહિત તમામ પક્ષોના સંપર્કમાં છે. ઝેલેન્સકીએ વડા પ્રધાન મોદીની આ પહેલનો આભાર માન્યો છે.
અગાઉ, વડા પ્રધાન મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા હતા અને ગાઝામાં માનવતાવાદી કટોકટી પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની તાત્કાલિક પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનની ખરતી આપી હતી. વડા પ્રધાન મોદીને મળ્યા બાદ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું કે ભારત ગાઝાની સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામને પણ મળ્યા હતા અને બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા અને કનેક્ટિવિટી, વેપાર અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ‘X’ પર લખ્યું, “વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામને મળ્યો. અમે ભારત-વિયેતનામ મિત્રતાના સંપૂર્ણ પરિમાણ પર ચર્ચા કરી. અમે કનેક્ટિવિટી, વેપાર, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આતુર છીએ.”