આઠ મહિના સુધી નેવીની બે મહિલા અધિકારીઓ ખૂંદશે દરિયો!
નવી દિલ્હી: ભારતીય નૌકાદળની બે મહિલા અધિકારીઓ દુનિયામાં પરચમ લહેરાવવા માટે તૈયાર છે. નાવિકા સાગર પરિક્રમા અભિયાનના બીજા તબક્કામાં દેશની બે મહિલા અધિકારીઓ બોટમાં વિશ્વની પરિક્રમા કરશે. આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં નૌકાદળના સહ-મુખ્ય વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળનું નૌકા જહાજ તારિણી આ પડકારભર્યા મિશન પર 2 ઓક્ટોબરે ગોવાથી રવાના થશે.
21,600 નોટિકલ માઈલની મુસાફરી:
નૌકાદળની બે જાંબાઝ મહિલા અધિકારીઓ, લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ, 2 ઑક્ટોબરના રોજ INSV તારિણીથી આ પડકારજનક અભિયાનમાં ગોવાથી રવાના થશે. આઠ મહિનાના આ અભિયાનમાં બંને મહિલાઓ કોઈપણ બહારની સહાય વિના માત્ર પવન ઉર્જા પર આધાર રાખીને 21,600 નોટિકલ માઈલની મુસાફરી કરશે.
આ અભિયાનની પરિકલ્પના ભારતીય નૌકાદળ દ્વારા 2017માં નાવિકા સાગર પરિક્રમા સાથે કરવામાં આવી હતી, જેમાં છ અધિકારીઓએ પ્રથમ વખત વિશ્વની પરિક્રમા કરી હતી. તેમણે કહ્યું કે આ જ અભિયાનની આ બીજી આવૃત્તિ અદ્વિતીય રહેવાની છે, કારણ કે આ નાવિકા સાગર પરિક્રમા અભિયાનની બીજી આવૃત્તિમાં માત્ર બે મહિલાઓ, લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલા કેપ્ટન દિલીપ ડોંડે 2009-10માં વિશ્વની પરિક્રમા કરનાર પ્રથમ ભારતીય હતા. ત્યારબાદ કમાન્ડર અભિલાષ ટોમી બે પરિક્રમાઓમાં ભાગ લેનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યા અને 2022 માં ગોલ્ડન ગ્લોબ રેસ પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી. કમાન્ડર અભિલાષ ટોમી આ બે મહિલા અધિકારીઓના સત્તાવાર માર્ગદર્શક તરીકે તાલીમ સાથે જોડાયેલા છે.