આ દેશના મોટા ભાગના યુવાઓની હાલત અન્ના જેવી છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
પૂણેમાં મલ્ટિનેશનલ કંપની અન્સર્ટ એન્ડ યંગ (ઈવાય)માં કામ કરતી ૨૬ વર્ષની આશાસ્પદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) યુવતી અન્ના સેબેસ્ટિયન પેરાયિલના મોતે વિવાદ જગાવ્યો છે. બલ્કે અન્ના સેબેસ્ટિયનના મોતનાં કેસે બધાને ચોંકાવી દીધા છે એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી.
અન્નાનું બે મહિના પહેલાં મોત થયેલું પણ અત્યારે કેસ ચગ્યો છે તેનું કારણ અન્નાની માતાએ કરેલા આક્ષેપો છે. અન્નાની માતાના કહેવા પ્રમાણે, અન્ના વધારે પડતા કામના બોજના કારણે ગુજરી ગઈ હતી. અન્નાની માતા અનિતા ઓગસ્ટાઇને યુવતીના બોસ સામે આક્ષેપ કર્યો છે કે, તેમણે પોતાની દીકરી પાસે એટલું બધુ કામ કરાવ્યું કે તે તણાવ હેઠળ આવી ગઈ હતી.
અનિતાના કહેવા પ્રમાણે, અન્ના રોજના ૧૪ કલાક કરતી હતી છતાં તેના પર સતત વધુ ને વધુ કામ કરવાનું પ્રેશર નાખવામાં આવતું હતું અને છેવટે કામના બોજા હેઠળ દબાઈને તેમની પુત્રીનું મોત નિપજ્યું. અનિતાએ અફસોસ વ્યક્ત કર્યો છે કે, અન્નાનું મોત થયું તેના કારણે કંપનીને જરાય ફર્ક પડ્યો નહીં. અન્નાના અંતિમસંસ્કારમાં કંપનીમાંથી કોઈ હાજર નહોતું ને કંપનીએ પરિવારને સાંત્વના આપવાની તસદી સુધ્ધાં લીધી નથી.
અન્નાના મોતના પડઘા કેન્દ્ર સરકાર સુધી પડ્યા છે કેમ કે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એલાન કરવું પડ્યું છે કે, આ અંગે તેમણે ફરિયાદ નોંધી લીધી છે અને અન્ના સેબેસ્ટિયન પેરાયિલના મોતના કારણોની તપાસ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સરકારનાં રાજ્ય કક્ષાનાં શ્રમ મંત્રી શોભા કરંદલાજે એક્સ પર એક પોસ્ટ મૂકીને અન્નાના મોત અંગે અફસોસ વ્યક્ત કર્યો છે અને જાહેરાત કરી છે કે, મોટી કંપનીઓમાં અસુરક્ષિત અને ટોક્સિક વર્ક કલ્ચરના આક્ષેપોની ઊંડી તપાસ ચાલી રહી છે.
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાનું એલાન કર્યું છે. અન્ના કેરળની હતી તેથી શશિ થરૂરે અન્નાના પિતા સિબી જોસેફ સાથે ફોન પર વાત કરીને જાહેરાત કરી છે કે, દેશભરની તમામ ઓફિસો અને કાર્યસ્થળો માટે કામના કલાકો નક્કી કરવા અંગેનો કાયદો પોતે સંસદમાં લાવશે.
થરૂરે લખ્યું છે કે, અન્ના સેબેસ્ટિયનના પિતા સિબી જોસેફે મને કહ્યું કે, અર્ન્સ્ટ એન્ડ યંગ ખાતે સતત ૧૪ કલાક અને સાત દિવસના અઠવાડિયાનાં સતત, તણાવપૂર્ણ કામ કર્યા પછી અન્નાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. અન્નાના પિતાએ સૂચન કર્યું કે બીજા કોઈ યુવાનની આ હાલત ના થાય એટલે કાયદો બનવો જોઈએ. થરૂરે સિબીને સંસદમાં ઓફિસોમાં અઠવાડિયામાં પાંચ દિવસ અને દિવસમાં આઠ કલાકથી વધુ ન કામ ના કરવું પડે એ માટે રજૂઆત કરવા અને કાયદો લાવવાની પણ જાહેરાત કરી છે.
આ પ્રકારનો કાયદો આવશે કે નહીં એ ખબર નથી કેમ કે આપણે ત્યાં કોઈ કરુણ ઘટના બને ત્યારે બધાંનાં મનમાં સંવેદનાની સરવાણી ફૂટી નીકળે છે પણ પછી બધું ભુલાઈ જાય છે. આ કેસમાં તો મલ્ટિનેશનલ કંપની અર્ન્સ્ટ એન્ડ યંગ સંડોવાયેલી છે ને મોટી કંપનીઓના દબાણ હેઠળ સરકાર કશું કરી શકતી નથી એ જગજાહેર છે. આ સંજોગોમાં અન્નાના મોતને પણ સરળતાથી ભુલાવી દેવાય એવી પૂરી શક્યતા છે પણ અન્નાનું મોત આ દેશના યુવાઓ માટે એક વેક અપ કોલ છે. આ દેશના દરેક યુવાને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
કહેવાતા કોર્પોરેટ કલ્ચરમાં કે મોટી કંપનીઓમાં કર્મચારીઓ પર ટાર્ગેટ હાંસલ કરવા માટે કે બીજાં ટાસ્ક પૂરાં કરવા માટે વધારે કામ લેવામાં આવે કે પ્રેશર ક્રીયેટ કરવામાં આવે એ સામાન્ય પ્રેક્ટિસ બની ગઈ છે. મોટી કંપનીઓ અને મલ્ટિનેશનલ કંપનીઓ સારો પગાર આપતી હોય છે તેથી યુવાનો આ પ્રેશરને સહન કરવા પ્રયત્ન કરે છે અને ગમે તે રીતે ટકી રહેવા માગે છે. અન્નાએ પણ એ જ કર્યું ને તેમાં તેણે જીવ ખોયો. અન્નાની માતાએ આ વાત લોકો સામે મૂકી તેથી તેના વિશે આખી દુનિયાને ખબર પડી. બાકી અન્ના જેવી બીજી ઘણી યુવાન દીકરીઓ કે દીકરાની સ્થિતિ પણ આવી જ સ્થિતી હશે પણ તેની કોઈ નોંધ પણ નહીં લેતું હોય.
અન્ના કેરળના કોચીની હતી અને માર્ચ ૨૦૨૪માં ઈએન્ડવાય કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ચાર મહિના પછી જુલાઈમાં તો અન્ના સૌને છોડીને જતી રહી. અન્નાએ થેવરાની સેક્રેડ હાર્ટ કોલેજમાંથી ફાઈનાન્સ એન્ડ ટેક્સેશનમાં બી.કોમ. કર્યા પછી સીએની તૈયારી શરૂ કરી હતી અને નવેમ્બર ૨૦૨૩માં અન્નાએ સીએની પરીક્ષા પાસ કરી હતી. એ પછી અર્ન્સ્ટ એન્ડ યંગમાં તેની પહેલી જ નોકરી હતી.
અન્નાની માતા અનિતા ઓગસ્ટાઈને ઈએન્ડવાયના ચેરમેન રાજીવ મેમાણીને લખ્યું છે કે, હું આ પત્ર એક દુખી માતા તરીકે લખી રહી છું કે જેણે પોતાનું સંતાન ગુમાવી દીધુ છે. અન્ના ૧૯ માર્ચ ૨૦૨૪ના રોજ એક્ઝિક્યુટિવ તરીકે તમારી કંપનીમાં જોડાઈ પણ ચાર મહિના બાદ ૨૦ જુલાઈના રોજ મારી દુનિયા ઉજડી ગઈ જ્યારે મને સમાચાર મળ્યા કે અન્ના હવે આ દુનિયામાં નથી. મારી અન્ના ફક્ત ૨૬ વર્ષની હતી. સતત કામનો બોજ, નવો માહોલ અને લાંબા સમય સુધી કામ કરવાથી તેને ફિઝિકલ, ઈમોશનલ અને મેન્ટલ રીતે નુકસાન થયું. કંપનીમાં જોડાયા પછી તરત ચિંતા, અનીદ્રા અને તણાવનો અનુભવ કરવા લાગી પણ એક દિવસ તેને આ સખત મહેનતનું ફળ મળશે એમ માનીને કામ કરતી રહી.
અનિતાના કહેવા પ્રમાણે, અન્ના ટીમમાં સામેલ થઈ ત્યારે તેને કોઈએ કહેલું કે, અનેક કર્મચારીઓએ વધુ કામના કારણે રાજીનામું આપી દીધુ છે. જો કે ટીમ મેનેજરે અન્નાને કહ્યું હતું કે, તારે આપણી ટીમ વિશે દરેકનો અભિપ્રાય બદલવો પડશે. એ વખતે અન્નાને અહેસાસ નહતો કે, તેણે પોતાની જિંદગી ગુમાવીને કિંમત ચૂકવવી પડશે. અન્ના પાસે કંપનીનું પુષ્કળ કામ હોવાથી આરામ કરવા માટે ખૂબ ઓછો સમય મળતો હતો. મેનેજર મોટા ભાગની મીટિંગો રિશિડ્યુલ કરતો હતો અને દિવસના અંતમાં કામ આપતો તેથી મોડી રાત સુધી કામ કરવું પડતું હતું અને તણાવ વધી જતો હતો. અન્નાએ વિક-એન્ડ્સમાં પણ કામ કરવું પડતું હતું.
અન્નાની માતા અનિતાએ બહુ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દીધું છે.
આ દેશના દરેક યુવાને વિચારવું જોઈએ કે, અન્નાની સ્ટોરી તેમની પોતાની સ્ટોરી તો નથી ને? આટલું વિચાર્યા પછી બીજો વિચાર એ કરવો જોઈએ કે, અન્ના જેવી કિંમત પોતે ચૂકવવી તો નહીં પડે ને?