હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આજે પણ ‘પુરૂષો’નું વર્ચસ્વઃ એકેય મહિલા CM બન્યા નથી…
ગુરુગ્રામ/રેવડીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આજે પણ પુરૂષોનું વર્ચસ્વ છે. જ્યાં માત્ર ૫૧ મહિલા ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી મોટા ભાગનાને કાં તો કોઇ રાજકીય પરિવારનું સમર્થન પ્રાપ્ત છે અથવા તો કોઇ સેલિબ્રિટી સ્ટેટસ ધરાવે છે. જેને અગ્રણી રાજકીય દળોએ મેદાનમાં ઉતાર્યા છે.
વર્ષ ૧૯૬૬માં પંજાબમાંથી અલગ થયેલું આ રાજ્ય લિંગ ગુણોત્તરની દ્રષ્ટિએ પછાત હોવાના કારણે માત્ર ૮૭ મહિલાઓ જ વિધાનસભામાં ચૂંટાઇ શકી છે. હરિયાણામાં ક્યારેય મહિલા મુખ્ય પ્રધાન બની નથી. ઉમેદવારોની યાદીનું વિશ્લેષણ દર્શાવે છે કે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ૧૨ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જે આ ચૂંટણીઓમાં તમામ પક્ષોમાં સૌથી વધુ છે.
ભારતીય રાષ્ટ્રીય લોકદળ(આઇએનએલડી) અને બહુજન સમાજ પાર્ટી(બીએસપી)એ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે અને બંનેના સાથે મળીને ૧૧ મહિલા ઉમેદવાર છે. જ્યારે સત્તાધારી ભાજપે ૧૦ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
જનનાયક જનતા પાર્ટી (જેજેપી) અને આઝાદ સમાજ પાર્ટી(એએસપી)ના ગઠબંધને ૮૫ બેઠકો પર ૮ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે આપના ૯૦ ઉમેદવારોની યાદીમાં ૧૦ મહિલાઓ છે. નોંધનીય છે કે હરિયાણાની ૯૦ ધારાસભ્યોની વિધાનસભા માટે ૫ ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે અને ૮ ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
અશોકા યુનિવર્સિટીના ત્રિવેણી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા (ટીસીપીડી)ના એક અભ્યાસ મુજબ હરિયાણામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હંમેશાથી ચિંતાનો વિષય રહ્યું છે. કારણ કે રાજ્યમાં મહિલાઓ સાથે પક્ષપાત અને અપરાધનો ઇતિહાસ રહ્યો છે. તેમજ લિંગ સંબંધિત મેટ્રિક્સમાં પણ ખરાબ પ્રદર્શન રહ્યું છે.
જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારોની વધતી જતી સંખ્યા અને ૨૦૦૦થી ૨૦૧૯ સુધીની રાજ્યની ચૂંટણીઓમાં પુરુષોને સરળતાથી પાછળ રાખવાની તેમની ક્ષમતા હરિયાણાના રાજકારણમાં મહિલાઓ માટે સકારાત્મક પાસું છે. જો કે આ સમયગાળામાં ચૂંટાયેલા ઘણા મહિલા ધારાસભ્યોમાંથી કેટલાક સમૃદ્ધ રાજકીય પરિવારોના હતા, જે પરિસ્થિતિને પ્રમાણમાં યથાવત રાખે છે.
મહેન્દ્રગઢની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હરિયાણાના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર જણાવે છે કે રાજ્યની રાજનીતિ હજુ પણ પિતૃસત્તામાં છે. તેણીએ કહ્યું કે ટિકિટ ફક્ત મોટા રાજકીય પરિવારોમાંથી આવતી મહિલાઓને આપવામાં આવે છે.
મહિલાઓ માટે સ્વતંત્ર રીતે અથવા મજબૂત રાજકીય સમર્થન વિના ચૂંટણી લડવી મુશ્કેલ છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. તે એ હકીકત પરથી સમજી શકાય છે કે ૨૦૦૦થી લઇને અત્યાર સુધીમાં માત્ર એક મહિલા અપક્ષ ઉમેદવાર શકુંતલા ભગવરિયાએ ૨૦૦૫માં સ્વતંત્ર રીતે ચૂંટણી જીતી હતી.