સંસદમાં તમારો અવાજ બનીશ: રાહુલ ગાંધીનું જમ્મુ-કાશ્મીરના લોકોને વચન
શ્રીનગર: લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ સંસદમાં બનવાનું વચન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને સંર્પૂણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર કૉંગ્રેસ દબાણ લાવશે.
જ્યારે તમને મારી જરૂર હોય ત્યારે તમારે મને ફક્ત એક આદેશ આપવાનો રહેશે અને હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. હું તમારા મુદ્દાઓ સંસદમાં ઉઠાવીશ. તમારી સાથેના મારા વિશેષ સંબંધો વિશે તમે જાણો છે. મારે તેનો ઉલ્લેખ કરવાની પણ આવશ્યકતા નથી, એમ રાહુલ ગાંધીએ શ્રીનગરની ભાગોળે આવેલા ઝૈનાકોટમાં ચૂંટણી સભાને સંબોધતાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોનો સૌથી મોટો મુદ્દો સંપૂર્ણ રાજ્યના દરજ્જાની બહાલી છે અને અમે વચન આપીએ છીએ કે તે થઈને રહેશે. જો ભાજપ તમને (ચૂંટણી પછી) નહીં આપે તો અમે સુનિશ્ર્ચિત કરીશું કે તેમને આપવું પડે.
જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્તરે નીચે ઉતારવું એ અહીંના લોકો સાથે અન્યાય છે. જમ્મુ-કાશ્મીરના દરજ્જાને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઘટાડીને તમારા લોકશાહી અધિકારોનું હનન કરવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
રેલીના સ્થળથી અત્યંત નજીક આવેલી અને અત્યારે બંધ પડેલી એચએમટી ઘડિયાળની ફેક્ટરીનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે આખા દેશમાં આવી અનેક કંપનીઓ બંધ કરાવી દીધી છે.
તેમણે એવો આક્ષેપ લગાવ્યો હતો કે મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં ફક્ત દેશના 25 ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે જ્યારે સામાન્ય લોકોની અવગણના કરવામાં આવી છે. 25 લોકો માટે તેમણે રૂ. 16 લાખ કરોડની લોન માફ કરી જ્યારે તેઓ ગરીબો, ખેડૂતો, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની લોન માફી કરતા નથી.
તેઓ ખામીયુક્ત જીએસટી લઈ આવ્યા છે અને નોટબંધી કરીને નાના અને મધ્યમ વેપારને બંધ કરી નાખવાની ફરજ પાડી. પરિણામ એવું આવ્યું કે જમ્મુ-કાશ્મીર સહિત દેશના યુવાનોને હવે રોજગાર મળતો નથી. તેમની પાસે કોલેજ અને યુનિવર્સિટીની ડિગ્રી હશે, પરંતુ તેમની પાસે નોકરીઓ નથી. આ નરેન્દ્ર મોદીની ભેટ છે, આ તેમનું રાજકારણ છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું. (પીટીઆઈ)