મુંબઈની લોકલ ટ્રેનમાંથી ૨૦ લાખની રોકડવાળી મળી બેગ…
મુંબઈઃ મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જતી લોકલ ટ્રેનમાં એક ત્યજી દેવાયેલી બેગ મળવાની જાણ સરકારી રેલવે પોલીસને કરી હતી. જીઆરપીના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે રાત્રે ૯.૫૭ વાગ્યાના સુમારે આસનગાંવ સ્ટેશન નજીક પર બની હતી.
રીબોક કંપનીની સ્કાય બ્લુ કલરની બેગ, ટ્રેનના ડબ્બામાં એક મુસાફરને મળી આવી હતી. મુસાફરે તાત્કાલિક અધિકારીઓને જાણ કર્યા પછી, પોલીસ અધિકારીઓએ પ્રોટોકોલ પ્રમાણે બેગની તપાસ કરી હતી. બેગ ખોલતાં જ તેમાં ૨૦,૦૦,૦૦૦ રૂપિયાની રોકડ મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.
રોકડ ઉપરાંત, બેગમાં વિવિધ દવાઓથી ભરેલું એક બોક્સ પણ હતું, જે બેગના મૂળ માલિક અને તેના ત્યજી દેવાના સંજોગો વિશે પ્રશ્નો ઉભા કરે છે. સત્તાવાળાઓએ બેગના મૂળ માલિકને શોધવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે નાગરિકોને વિનંતી કરી રહી છે કે જો કોઈને બેગ અથવા તેના માલિક વિશે કોઈ માહિતી હોય તો પોલીસને જાણ કરે.