કરચલા પકડવાના પ્રયાસમાં બે બાળક તળાવમાં ડૂબ્યા…
નાશિક: મિત્રો સાથે કરચલા પકડવા ગયેલા બે બાળકે તળાવમાં ડૂબી જતાં જીવ ગુમાવ્યા હોવાની ઘટના નાશિક શહેરમાં બની હતી.
આ પણ વાંચો : 10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા પકડાઇ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના અંબાડ-સતપુર લિંક રોડ પરના સંજીવનગર ખાતે રવિવારની બપોરે બની હતી. 8 અને 11 વર્ષના બે બાળક મિત્રો સાથે ઘર નજીકના એક ફાર્મ હાઉસ સ્થિત તળાવને કિનારે ગયા હતા.
તળાવને કિનારે મૅન્ગ્રોવ્ઝમાં કરચલા પકડવા ગયેલા બન્ને બાળક પાણીમાં પડી ગયા હતા. તળાવનું પાણી ઊંડું હોવાથી બન્ને બાળક બહાર નીકળી શક્યા નહોતા અને ડૂબી ગયા હતા. આ બાબતે મિત્રોએ બન્ને બાળકના વડીલોને જાણ કરી હતી.
માહિતી મળતાં જ બન્ને બાળકના વડીલો, સગાંસંબંધી અને પડોશીઓ તળાવને કિનારે પહોંચી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસ અને ફાયર બ્રિગેડે સર્ચ ઑપરેશન હાથ ધર્યા છતાં બન્ને બાળકોને બચાવી શક્યા નહોતા. સાંજે બન્નેના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની નોંધ કરી અંબાડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)