ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

માનસ મંથન : જયારે અનેક ગુરુઓ જોવા મળે ત્યારે કેવા ગુરુનાં ચરણોમાં મન લગાવવું?

  • મોરારિબાપુ

ફરી એ જ પ્રશ્ન, કોણ ગુરુ ? શિષ્ય-ગુરુની ઓળખ શું ? મને કાલે પૂછવામાં આવ્યું કે, ભારત જગતગુરુ ક્યારે બનશે ? મેં કહ્યું, છે અને રહેશે. યુવાનો ભ્રમિત ન થઈ જાય એટલા માટે વિશેષ ખુલાસા કરું છું. તો, આપણે ક્યાં ગુરુના ચરણમાં લગન લગાવીએ ? જે ક્ષોત્રિય હોય; એવા મહાપુરુષ જે આપણા શોક, મોહ, ભ્રમની ઔષધિ હોય; માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરનારા જ નહીં. જેમના વાતાવરણમાં રહેવાથી, જેમના અણુ-પરમાણુમાં રહેવાથી આપણા મનની ભ્રાંતિઓ આપોઆપ જ ખતમ થવા લાગે, તો સમજવું કે લગન લગાવવા જેવાં ચરણ છે. અવૃજિન નિષ્પાપ,આપણને લાગે કે એ નિષ્પાપ છે.

‘અકામિન ’ આપણી સાથે સંબંધ રાખવામાં જેમને કોઈ કામના ન હોય,એ લગન લગાવવા જેવાં ચરણ છે. બુદ્ધે જગત પર કરુણા કરી, મહાવીરે કરુણા કરી, એમને શું લેવું હતું ? ‘અકામિન’, જે બેઠા હોય તો લાગે કે જેવી રીતે અગ્નિમાં ઈંધણ ખતમ થઈ ગયા છે અને અગ્નિ શાંત છે, એવા એ શાંત લાગે, તો લગન લગાવવા જેવાં ચરણ છે. કારણ વિના કરુણા કરે, દયાસિંધુ હોય,એવાં ચરણ લગન લગાવવા જેવાં છે. વિદ્વાનોએ જગતને માયા કહ્યું છે. એ જાણકારોએ કહ્યું છે; એમાં જોડાઈ ન જાઓ, જ્યારે તમને માયા દેખાય ત્યારે સમજો કે કહો, જગત માયા છે. રચનાને જો ઠુકરાવશો તો અપમાન રચયિતાનું થશે. માણસ સપનામાં બેંક લૂટે છે તો પછી કેટલું ભાગે છે ? પકડાઈ જાય છે. ત્રણ મહિનાની જેલ થાય છે, એ રડી રહ્યો છે,પૂછતાછ થઈ રહી છે. પરંતુ જાગી જાય તો ? જાગનારો કહેશે કે જગત માયા છે ? અને હું તો એમ પણ કહું કે, જાગ્યા વિના એવું પણ ન કહેવું કે બ્રહ્મ સત્ય છે.

તો, જે અવૃજિન: છે, અકામિન: છે, ક્ષોત્રિય છે, દયાસિંધુ છે, એવા કોઈ બુદ્ધપુરુષનાં ચરણની વાત લગન લગાવવા માટે કરવી પડશે. શિષ્ય પાસે બાણ હોય છે, ગુરુ પાસે બાની હોય છે. અર્જુન પાસે બાણ હતું, કૃષ્ણ પાસે બાની હતી. શિષ્ય પાસે શાલ છે, ગુરુ પાસે મશાલ છે. ગુરુ એક અજવાળામાં લઈ આવે છે, ‘તમસો મા જ્યોર્તિગમય’ શિષ્ય પાસે માન અને ગુરુ પાસે ગાન હોય છે. તાલ આપે તે શિષ્ય, તાલી આપે તે ગુરુ. જીવનનો તાલ, લય; શિષ્યને કાળ આપવો પડે છે, ગુરુ કાલી આપે છે. તું થોડો કાળ આપીશ તો ગુરુ કાળિ-જગદંબા આપશે. શિષ્ય આશા આપે છે, ગુરુ અશ્રુ આપે છે. મારા વ્યક્તિગત અનુભવ મુજબ પરમાત્માને યાદ કરતા એકાંતમાં કે સમૂહમાં આંખ ભીંજાઈ જાય તો અશ્રુ જેવો વિશ્ર્વમાં બીજો કોઈ ઉત્સવ નથી. અશ્રુ આવે તો તમે એકલાં નથી હોતા. તમારી સાથે કોઈ છે. શિષ્ય પાસે અનુમાન હોય છે, ગુરુ પાસે હનુમાન હોય છે. શિષ્યનો પ્રદેશ અનુમાનનો છે, જિજ્ઞાસાનો છે અને ગુરુનો હનુમાન એટલે કે વિશ્ર્વાસનો છે. આપણા શાસ્ત્રમાં તો અનુમાનને પણ પ્રમાણ માનવામાં આવે છે કે ધુમાડો હશે તો આગ હશે. અનુમાનમાં જીવવું હોય તો એટલું તો માનો કે જગત છે તો જગદીશ હશે. રચના છે તો એનો સર્જક હશે. આ અનુમાનથી હનુમાન સુધીની યાત્રા છે. એવા કોઈ બુદ્ધપુરુષ મળી જાય જે મશાલવાળા હોય, અશ્રુવાળા, તાલીવાળા હોય, હનુમાનવાળા હોય, કાલીવાળા હોય,એનાં ચરણ લગન લગાવવા જેવાં છે.

‘માનસ’ એક મહાઔષધિ છે. હરિનામ એક મહાઔષધિ છે. બુદ્ધપુરુષ સ્વયં આપણી ઔષધિ છે. આપણે બધાં સાથે મળીને આ ‘રામચરિતમાનસ’ રૂપી સદ્ગુરુ પાસેથી આપણાં કેટલાંક દરદ વિશે વિચારી રહ્યાં છીએ.વ્યક્તિના પોત-પોતાના દરદ હોય છે.શોકનું દરદ હોય,સંદેશનું દરદ હોય,ભ્રમનું દરદ હોય. તુલસી પાસે પણ એ જ કહે છે, શોક, મોહ, સંદેહ,ભ્રમ એ ચારેયને એ ઉઠાવે છે. એમાંનું કોઈ પણ દરદ હોય એને બુદ્ધપુરુષ મિટાવી દે છે; એમના મૌનથી,પોતાના શબ્દોથી, પોતાના સંયોગથી કે વિયોગથી,પોતાના કેવળ સંકેતથી.

એક રહસ્યમય વાત કરું, બાપ ! ગુરુ મરતાં નથી; દેહથી મરે છે. એ શિષ્યને પણ મારીને જાય છે. ભૂખી સર્પિણી પોતાનાં ઈંડાંને ખાઈ જાય છે એનો શું મતલબ? સર્પિણી શું મા નથી ? સર્પિણીને ડર છે કે મારાં બચ્ચાં બીજે ક્યાંક જઈને ઝેરીલાં ન થઈ જાય અને કોઈને ડંખે નહીં. પહોંચેલા ગુરુ જતી વખતે ચિંતિત હોય છે કે મારા આશ્રિત ક્યાંક સંપ્રદાય ન બનાવી લે! જેલખાનાં નિર્મિત ન કરે! શાસ્ત્રને નામે નાસમજ લોકોને ધમકાવે નહીં ! આને રહસ્યના રૂપમાં સમજજો. બાપ ! હું સદ્ગુરુ શબ્દનો ઉપયોગ કરું છું એટલે તર્ક ન કરશો. મેં ગઈકાલે પણ સ્પષ્ટ કર્યું છે અને ફરી કહું છું કે કોણ સદ્ગુરુ ? જે સત્યનો પૂજક હોય, જેની વાણીમાં સત્ય હોય, પ્રિય સત્ય હોય તે સદ્ગુરુ છે. પછી તેણે પેન્ટ પહેર્યું હોય તો પણ શો ફરક પડે છે ? જેનાં જીવનમાં તમને શાસ્ત્રોની મર્યાદા જોવા મળે અને ઉપાસના જોવા મળે તે સદ્ગુરુ. પરંતુ શરણાગતિ કોની સ્વીકારવી અને કોની ન સ્વીકારવી તેના માટે બુદ્ધિની જરૂર પડે છે.

જેણે શરણાગતિ શીખવી હોય તેને બે કિનારાઓ સમજવા પડે. એક, શુદ્ધિ અને બીજી બુદ્ધિ. બુદ્ધિ વગરની શરણાગતિ કદાચ આપણને ભ્રમમાં નાખી શકે છે. અને જેને શરણે આપણે ગયા હોઈએ તેને પણ ભ્રમમાં નાખી શકે. હા, એકવાર શરણે થઈ ગયા પછી બુદ્ધિનું મૂલ્ય નથી રહેતું. પણ શરણાગતિ કોની સ્વીકારવી તેને સમજવા માટે બુદ્ધિનું મૂલ્ય છે. મારાં ભાઈ-બહેનો, એક તણખલામાં પણ જે આપણાથી અનેકગણું વધુ જોઈ શકે તે સદગુરુ. જે પોતે સતત અજવાળામાં રહેતો હોય અને આપણને પણ અજવાળામાં રાખે તે સદગુરુ. જેની વાણીમાં સત્ય હોય, જેનામાં કોઈ માટે ભેદ ન હોય અને જેને પ્રાણીમાત્ર તરફ, જીવમાત્ર તરફ પ્રેમ હોય તે સદ્દગુરુ. આંખમાં અમૃત હોય અને જગત માત્ર તરફ પ્રેમ હોય તે સંત. આંખો જુઓ ત્યાં લાગે કે આણે કોઈ પાપ નથી કર્યા, પુણ્યો જ કર્યા છે ! આવા કોઈ મહાપુરુષનો આશ્રય કરજો. એવો સત્સંકલ્પ કરજો કે મારે કોઈ એવાનો આશ્રય કરવો છે જે પોતે પવિત્ર હોય અને મને ક્યારેય અપવિત્ર ન થવા દે ! જે સતત ઇશનું ચિંતન કરતો હોય અને શિષ્યની
ચિંતા કરતો હોય તેવાનો આશ્રય મારે
કરવો છે. બાપ !
(સંકલન: જયદેવ માંકડ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button