Tirupati laddu વિવાદ બાદ લખનૌના આ મંદિરમાં બહારથી લવાતા પ્રસાદ પર પ્રતિબંધ

લખનૌ : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં(Tirupati laddu)ભેળસેળને લઈને ઉભા થયેલા વિવાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. મંદિરના પ્રસાદ એટલે કે લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ છે. ત્યારે હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત પ્રસિદ્ધ મનકામેશ્વર મંદિરે પણ બજારમાંથી ખરીદેલ પ્રસાદ લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
બજારમાંથી ખરીદેલા પ્રસાદ પર પ્રતિબંધ
યુપીની રાજધાની લખનૌના મનકામેશ્વર મંદિરમાં હવે ભક્તો બજારમાંથી ખરીદેલ પ્રસાદને લાવી શકશે નહીં. તિરુપતિ મંદિરના લાડુ વિવાદ બાદ હવે મનકામેશ્વર મંદિરના મહંત દિવ્યગીરીએ બજારમાંથી લાવવામાં આવતા પ્રસાદ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહંત દિવ્યગીરીએ એક પત્ર જાહેર કરીને ભક્તોને ગર્ભગૃહમાં ડ્રાય ફ્રુટ્સ અર્પણ કરવા જણાવ્યું છે.
ભક્તો જાતે તૈયાર કરેલો પ્રસાદ લાવે
લખનૌના મનકામેશ્વર મંદિરના પીઠાધીશ્વર મહંત દેવ્યાગીરીએ આ અંગે નોટિસ જાહેર કરી છે. જાહેર કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે – “ખાસ માહિતી, મંદિરમાં અર્પણ કરવા માટે ગર્ભગૃહમાં ફક્ત તમારા દ્વારા બનાવેલ પ્રસાદ/સૂકા મેવો અને ફળો જ આપો. તિરુપતિ બાલાજીની ઘટનાને કારણે બજારમાંથી લાવવામાં આવતા પ્રસાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”
કર્ણાટકમાં મંદિરો માટે પણ સૂચનાઓ
તિરુપતિ મંદિરના લાડુના વિવાદ બાદ કર્ણાટક સરકારે ગયા શુક્રવારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. જેમાં હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળના તમામ મંદિરોને ત્યાં તૈયાર કરવામાં આવતા પ્રસાદની ગુણવત્તા જાળવવા સૂચના આપવામાં આવી હતી. મંદિરોને ‘કર્ણાટક મિલ્ક ફેડરેશન’ના નંદિની બ્રાન્ડના ઘીનો જ ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
ટીટીડીએ મહાશાંતિ હોમનું આયોજન કર્યું હતું
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD)એ લાડુ પ્રસાદ વિવાદને પગલે મહા શાંતિહોમનું આયોજન કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓ પૂજારીઓ સાથે હોમમાં હાજરી આપી હતી.