ન્યુયોર્ક: ઇઝરાયલે ગાઝા પર હુમલો શરુ કર્યો એને એક વર્ષ પૂરું થવા આવ્યું છે, જેમાં બાળકો અને મહિલાઓ સહીત હજારો નાગરીકોના મોત નીપજ્ય છે. ગાઝામાં નરસંહાર બાદ હવે ઇઝરાયલે પેલેસ્ટાઇન વેસ્ટ બેંક વિસ્તારમાં પણ સૈન્ય અભિયાન શરુ કયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રવિવારે ન્યૂયોર્કમાં ‘લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલ’માં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ(Mahmoud Abbas) સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
ગાઝામાં ઉભી થયેલી માનવતાવાદી કટોકટી પર વડા પ્રધાન મોદીએ ‘ચિંતા’ વ્યક્ત કરી અને પેલેસ્ટિનિયન લોકોને ભારતના સતત સમર્થનની ખાતરી આપી હતી.
એક નિવેદન જાહેર કરીને વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉપરાંત પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા હતા. વડા પ્રધાને ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને પેલેસ્ટાઇનના લોકો ભારતનું સમર્થનની ખાતરી આપી હતી.’
વિદેશ મંત્રાલયના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ભારતની સ્થિર અને સૈદ્ધાંતિક નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે યુદ્ધવિરામ, બંધકોને મુક્ત કરવા અને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વાતચીત અને રાજદ્વારીય માધ્યમ દ્વારા ઉકેલ શોધવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ‘ટૂ સ્ટેટ સોલ્યુશન’ જ પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે. પીએમ મોદીએ યાદ અપાવ્યું કે ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપનાર પ્રથમ દેશોમાંનો એક છે અને સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સભ્યપદ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.’
બંને નેતાઓએ ભારત-પેલેસ્ટાઈન દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનને ભારતનું સમર્થન અને પેલેસ્ટાઈનને શિક્ષણ, આરોગ્ય અને અન્ય ક્ષમતા નિર્માણ પ્રયાસોના ક્ષેત્રમાં સહાય અને સમર્થનનો સમાવેશ થાય છે. બંને નેતાઓએ ભારત-પેલેસ્ટાઈન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
Also Read –