ભુજ

નવરાત્રિના વાગ્યાં નગારાં: ઢોલ-નગારાં, તબલા, જાજ પખાજ જેવાં વાદ્યોના ભાવોમાં ૪૦ ટકાનો ઉછાળો

ભુજ: આ વર્ષે સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છમાં પણ શ્રીકાર વરસાદ થઇ જતાં, નવરાત્રીની ઉજવણીનો આગતરો થનગનાટ અત્યારથી જ કચ્છભરમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દાયકાથી ભુજના મહાદેવ નાકા બહાર આવેલા પાળેશ્વર ચોક વિસ્તારમાં ‘રાજારામની દુકાન’ તરીકે ઓળખાતી દેશી વાદ્યોની હેરિટેજ દુકાન પર કારીગર ઢોલ-મૃદંગ અને તબલાં પર શાહી લગાડતા અને તેની દોરી ખેંચીને ચકાસણી કરી રહ્યા છે. કચ્છ રાજ સમયથી ઢોલક, તબલા,નાલ અને હાર્મોનિયમ જેવા વાદ્યોના કસબી એવા રાજારામ ભાઈ તો હવે નથી, પણ તેમના પુત્ર જીતેન્દ્રભાઈ રાજારામ સોલંકી અને પૌત્ર રાજ જીતેન્દ્રભાઈ સોલંકીએ પોતાની વારસાગત કળા જાળવી રાખી છે.

સારા ચોમાસાને પગલે આ વર્ષે ધંધાદારી અને શેરી-મહોલ્લા ગરબીઓના આયોજન સાથે જુના ગરબી મંડળો ફરી ચેતનવંતા બન્યા છે જેને લઈને કચ્છના ગામે ગામથી ઢોલ, મંજીરા, મૃદંગ, ખંજરી, હાર્મોનિયમ,બેન્જા જેવા વાદ્યો રીપેરીંગ થવા રાજારામની દુકાનમાં આવી પડ્યા છે.
એટલું જ નહિ, પણ વર્ષો બાદ ‘પગ પેટીઓ’ એટલે કે પગથી વગાડાતા વાજા રીપેરીંગ માટે જુના ગરબી મંડળો વાળા આપી ગયા છે.
આ વર્ષે રાજ્યભરમાં, ખાસ કરીને વલસાડ, ડાંગ સહિતના વિસ્તારો તેમજ આસામમાં પણ હોનારત સમો વરસાદ વરસી જતાં વાદ્યોના રો-મટિરિયલ્સની તંગી સર્જાઈ છે જેને લઈને ભાવોમાં ૪૦ ટકા જેટલો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે.

આનંદની વાત એ છે કે, આ વર્ષે પ્રથમવાર એવું જોવા મળ્યું છે કે, બાળકોને કચ્છી ઢોલ, તબલાં, મૃદંગ, પાવા, ખંજરી જેવા વાદ્યો પરત્વે આકર્ષણ ઉભું થવા પામ્યું છે. નવી પેઢી આવી બાબતોમાં રસ લે તે ખુબ આનંદની વાત છે. આ ઉપરાંત એ પણ મહત્વનું છે કે છેક પૂર્વ કચ્છના રાપરના વૃજવાણીથી શરૂ કરીને છેક બૉલીવુડ અને હોલીવુડ સુધી કચ્છી ઢોલની માંગ સતત વધી રહી છે.મુંબઈમાં કચ્છી ઢોલીઓનો નવરાત્રી દરમ્યાન દબદબો રહે છે,

ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના હિટ સોન્ગ ‘ઢોલી તારો ઢોલ બાજે’ અને ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની રજુઆત બાદ તેમજ નવા તૈયાર થતાં ગુજરાતી ગીતોના આલ્બમમાં પણ કચ્છી ઢોલનો ઉપયોગ વધતો રહ્યો છે તેને કારણે પણ કચ્છી ઢોલની માંગ વધવા પામી છે.જીતેન્દ્રભાઈના જણાવ્યા પ્રમાણે કચ્છી ઢોલ ઉપરાંત દોરી બોલ્ટ વાળા ઢોલ તેમજ ત્રામ્બાના ઢોલ અને નક્શી વાળા ઢોલની પણ માંગ વધી છે.

શેરી-ગરબાઓના વધી ગયેલા મહત્વને કારણે ભુજથી શરૂ કરીને છેક ભારત-પાકિસ્તાનને સીમાડે આવેલા સરહદી ગામોમાં મુસ્લિમ બિરાદરો પણ ગરબીના આયોજન કરે છે જે મહત્વની વાત છે. ઢોલ-નગારાં વગાડતા કલાકારોમાં મુસ્લિમ કલાકારોનું પણ આગવું સ્થાન હોઈ, તેઓ પણ નવરાત્રીના તહેવારો દરમ્યાન ઉત્સાહભેર ઢોલ ખરીદી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોટી ગરબીઓના આયોજન સાથે શેરી ગરબા પુનઃજીવિત થઇ જતાં કચ્છમાં લાંબા સમય બાદ ૧૯૬૦ના દશકા જેવો ગરબીઓનો માહોલ ખડો થવા પામશે જે એક ‘ટાઈમ કેપ્સ્યુલ’ની રોમાંચક સફર કરાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button