‘ભેદભાવ કેમ? બહેન સુપ્રિયા સુળેએ અજિત દાદા માટે સુપ્રીમ કોર્ટમાં કરી આ માગણી…
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બે ભાગલા પડ્યા ત્યાર બાદ પાત્ર-અપાત્ર વિધાનસભ્યોના વિવાદ ઉપરાંત જુદા ચૂંટણી ચિહ્નનો મુદ્દો પણ ઉછળ્યો હતો, જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અદાલતે આ મામલે શરદ પવાર જૂથની એનસીપીને નવું ચૂંટણી ચિહ્ન તુતારી એટલે કે બ્યુગલ ફાળવ્યું હતું.
જોકે અજિત પવાર જૂથને નવું ચૂંટણી ચિહ્ન ન ફાળવાતા શરદ પવાર જૂથ નારાજ હતું. જેને પગલે બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ સુપ્રીમ કોર્ટમાં અજિત પવાર જૂથને પણ નવું ચિહ્ન ફાળવવામાં આવે એવી અરજી કરી છે.
ફક્ત શરદ પવાર જૂથને નવું ચિહ્ન આપીને ભેદભાવ કરવામાં આવ્યો હોવાનું જણાવતા સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે અમારા પક્ષને નવું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે તો અજિત પવાર જૂથને પણ નવું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવવું જોઇએ. સુપ્રીમ કોર્ટે બંને પક્ષ સાથે સમાન વર્તન કરવું જોઇએ. આમ ન કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા કુદરતી અન્યાય કરવામાં આવ્યો હોવાનું પણ સુળેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સુપ્રિયા સુળેની હિલચાલ નજર રાખવામાં આવી હોવાનો એનસીપીનો દાવો
ઉલ્લેખનીય છે કે થોડા જ સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એનસીપીના ચૂંટણી ચિહ્નનો મુદ્દો ફરી ગાજ્યો છે. ઉલ્લેખનીય છે કે અવિભાજિત એનસીપીનું મૂળ ચૂંટણી ચિહ્ન ઘડિયાળ હતું અને અજિત પવાર પક્ષમાંથી છૂટા થયા બાદ વિવાદ ઊભો થતા શરદ પવાર જૂથને નવું ચૂંટણી ચિહ્ન ફાળવાયું હતું.
આ પણ વાંચો: ‘લાડકી બહેન યોજના’ અંગે રવિ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, સુપ્રિયા સુળેએ કરી ટીકા
સુપ્રિયા સુળેની અરજી પર અદાલત 25મી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરશે. આ વિશે જણાવતા સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે શરદ પવાર અમારા પક્ષના સંસ્થાપક છે અને તે જ બધા નિર્ણયો લે છે. એનસીપીએ સુપ્રીમ કોર્ટ પાસેથી કુદરતી ન્યાયની માગણી કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા આ બાબતે ફેંસલો સંભળાવવાની અરજી અમે સુપ્રીમ કોર્ટમાં કરી છે.