નેશનલ

આતંકવાદીઓ સાથે બિરયાની ખાનારાઓને અમે ખુલ્લા પાડીશું, જમ્મુ કાશ્મીરમાં અમિત શાહનો હુંકાર…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરમાં છે. તેઓ ભાજપના ઉમેદવાર રવિન્દ્ર રૈના માટે પ્રચાર સભા કરી રહ્યા છે. રૈનાના પ્રચાર માટે તેઓ કાશ્મીરના નૌશેરા પહોંચ્યા હતા. પ્રચાર સભામાં તેમણે આતંકવાદના મુદ્દે કૉંગ્રેસ અને ફારૂખ અબદુલ્લાને ઘેર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીની આગેવાનીમાં કાશ્મીરમાં આતંકવાદ હવે ડચકા ખાઇ રહ્યો છે. તેના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. તેમણે વિધાન સભાની ચૂંટણીમાં રવિન્દ્ર રૈનાને મત આપવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જો લોકો રૈનાના સમર્થનમાં મતદાન કરશે અને તેમને વિજયી બનાવશે તો નૌશેરા ઘાટીમાં વિકાસની નવી ગાથા લખાશે.

આ પણ વાંચો : એયર માર્શલ અમર પ્રીત સિંહ બનશે ભારતીય વાયુ સેનાના નવા પ્રમુખ

આતંકવાદનો ઉલ્લેખ કરતા તેમણે જમ્મુ કશ્મીરના પૂર્વ સીએમ ફારૂખ અબદુલ્લા અને કૉંગ્રેસ બંને પર નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થયા બાદ તેઓ શ્વેતપત્ર લાવીને મુફ્તી, અબદુલ્લા અને કૉંગ્રેસ ત્રણેને બેનકાબ કરશે. લોકો પણ જાણશે કે ખીણમાં આતંકવાદ કોણ લાવ્યું?, કોના ઇશારે આ બધું બન્યું?, તે સમયે કેન્દ્રમાં કોની સરકાર હતી? અને ખીણમાં કોનું શાસન હતું? આતંકવાદીઓ સાથે કોણે બિરયાની ખાધી? આ બધી બાબતો અમે ખુલ્લી પાડીશું.

અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરમાં કૉંગ્રેસના પૂર્વ ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે પહેલા તેઓ લાલ ચોક જવાથી ડરતા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે હું શિંદે સાહેબને જણાવવા માંગુ છું કે તમે બિન્દાસ તમારા પૌત્ર, પૌત્રી, પરિવાર સાથે લાલ ચોક પર જાઓ. કોઇ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે એની હું ખાતરી આપું છું.

કૉંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ખીણમાં આતંકવાદ ફરી સ્થાપિત કરવા માંગે છે. ઘાટીમાં હવે શાંતિ છે, પણ તેઓ આતંકવાદ પાછો લાવવા માગે છે, પણ હું સ્પષ્ટ કરું છું કે જ્યાં સુધી કેન્દ્રમાં મોદી સરકાર છે, ત્યાં સુધી તેમનું સપનું સાકાર નહીં થાય. ‘ફારૂક અબ્દુલ્લા કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 લાવશે, પરંતુ હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે જો તેમની ત્રણ પેઢીઓ વીતી જાય તો પણ તેમનું સપનું પૂરું નહીં થાય. જે લોકો શાંતિને પચાવી શકતા નથી, તેમની ઇચ્છા હું બર નહીં આવવા દઉં.

અમિત શાહે ઘાટી વિસ્તારમાંથી આતંકવાદ નાબુદ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને આતંકવાદનો સામનો ઇંટનો જવાબ પથ્થરથી આપીને કરશું એમ જણાવ્યું હતું.

અમિત શાહે બેધડક જણાવ્યું હતું કે જો ખીણમાં ફરીથી આતંકવાદ કેપથ્થરમારો થશે તો તેને દફનાવી દેવામાં આવશે. ફારૂખ અબ્દુલ્લા શંકરાચાર્ય પર્વતનું નામ બદલવા માંગે છે, પણ તેમની સરકાર એ શક્ય નહીં થવા દે. ‘કોંગ્રેસ નથી ઈચ્છતી કે જમ્મુ-કાશ્મીરમાં પહાડીઓને આરક્ષણ મળે, પરંતુ અમે પહાડીઓને અનામત આપીશું અને તેમના વિકાસ માટે કામ કરીશું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button